અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે તેમ છતાંયે રાજ્યમાં ટેસ્ટનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ઘણાં ઓછા થઈ રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતા અને સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. એટલું જ નહીં, પણ જિલ્લા મથકોમાં લેબોરેટરીની વ્યવસ્થા કરવી જોઇએ. કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર મૃતકોની અંતિમવિધિ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માંગ કરતા અહમદ પટેલે વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, સમગ્ર ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ સાથે સારવાર થાય તે જરૂરી છે.

ગુજરાતમાં શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય રહ્યું છે. તેમને પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, દવા અને ઇન્જેક્શનના કાળા બજાર પર રોક લગાવવી જરૂરી કેમ કે ગરીબ માણસોને ઉંચી કિંમતે દવાઓ અને ઇન્જેક્શન કાળા બજારથી ખરીદવાની ફરજ પડી રહી છે. અહમદ પટેલે એવી પણ માંગણી કરી કે, ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમને મામલે ભારત સરકાર તાત્કાલિક કેન્દ્રની ટિમો મોકલે.