દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારનાં રોજ પીએમ આવાસ પર જમ્મુ-કાશ્મીરને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. સાંજે સાડા છ વાગ્યે બેઠક સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી સહિત ઘણા મહત્વપૂર્ણ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઇને હવે કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમે કટાક્ષ કરતા મોદી સરકાર પર નિશાન સાંધ્યુ છે.

જમ્મુ-કાશ્મીરનાં મુદ્દે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનાં પક્ષો પહેલા રાજ્યનો દરજ્જો ઇચ્છે છે, જ્યારે સરકાર પહેલા ચૂંટણી ઇચ્છે છે. એક ટિ્‌વટમાં ચિદમ્બરમે કહ્યું કે, “કોંગ્રેસ અને અન્ય જમ્મુ-કાશ્મીરનાં પક્ષો અને નેતાઓ પહેલા રાજ્યનો દરજ્જો ઇચ્છે છે અને પછી ચૂંટણી, જ્યારે સરકાર પહેલા ચૂંટણી અને રાજ્યનો દરજ્જો પછી આપવાનું ઇચ્છે છે.” તેમણે કહ્યું, “ઘોડો જ ગાડીને ખેંચે છે. સરકાર ગોડીને આગળ અને ઘોડાને પાછળ કેમ ઇચ્છે છે? “તે વિચિત્ર છે.”