દિલ્હી-

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે મહિલા કોઈની ખાનગી સંપત્તિ નથી. અદાલતે કહ્યું કે પત્નીને જોર-જબરદસ્તી કરીને પતિની સાથે રહેવા માટે મજબૂર ન કરી શકાય. એક સુનાવણી દરમિયાન અદાલતે આ ટીપ્પણી કરી હતી. એક શખ્સે અરજી કરી હતી કે અદાલત તેની પત્નીને આદેશ આપે કે તે ફરીથી તેની સાથે રહેવા લાગે. આ અંગે જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યું કે તમને શું લાગે છે ? શું મહિલા કોઈની ગુલામ છે કે અમે આવો આદેશ આપી દઈએ ? શું પત્ની ખાનગી સંપત્તિ છે કે તેને તમારી સાથે જવાનો નિર્દેશ આપીએ ?  આ આખા વિવાદના મુળમાં દાંપત્ય અધિકારોની બહાલીનો એક આદેશ છે જે ગોરખપુરની ફેમિલી કોર્ટે 2019માં આપ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે 2013માં લગ્ન બાદથી પતિએ તેને દહેજને લઈને હેરાન કરવાનું શરૂ કરી દેતાં તે અલગ રહેવા લાગી હતી. 2015માં જ્યારે તેણે ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કર્યો તો ગોરખપુરની અદાલતે પરિણીતાને મહિને 20,000 રૂપિયાનું ભરણ પોષણ ચૂકવવાનો આદેશ પતિને આપ્યો હતો.

પતિએ આ પછી દાંપત્ય અધિકારોની બહાલી માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જ્યાં ચુકાદો પતિના પક્ષમાં આવ્યો હતો. દાંપત્ અધિકારોની બહાલીનો ચુકાદો આવતાંની સાથે જ પતિ ફરીથી અદાલતમાં પહોંચ્યો હતો. આ વખતે તેને વાંધો ભરણ-પોષણ ચૂકવવાને લઈને હતો જ્યારે તે પત્ની સાથે રહેવા માટે તૈયાર છે તો ભરણ-પોષણ શું કામ આપવાનું ? તેવી દલીલ પણ કરી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દેતાં તેણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પોતાના બચાવમાં મહિલાએ કહ્યું કે પતિનો આ સંપૂર્ણ ખેલ ભરણ-પોષણ ચૂકવવું ન પડે તેના માટે છે. મહિલાએ કહ્યું કે તેનો પતિ ફેમિલી કોર્ટ ત્યારે ગયો જ્યારે તેને આવું કરવાનો આદેશ થયો. સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેની પત્નીને મનાવીને પરત મોકલવી જોઈએ ખાસ કરીને ત્યારે જ્યારે ફેમિલી કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. વારંવાર આ માંગ કર્યા બાદ અદાલતે કહેવું પડ્યું કે શું મહિલા કોઈ ખાનગી સંપતિ છે ? શું પત્ની એક ગુલામ છે કે અમે તેના વિરુદ્ધમાં આદેશ આપી દઈએ ? આ પછી કોર્ટે અરજી ફગાવી દીધી હતી.