બેંગકોક

બેંગકોકમાં રમાયેલી વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ટૂર્નામેન્ટ રવિવારે સમાપ્ત થઈ હતી. થાઇલેન્ડમાં આ સતત ત્રીજી બેડમિંટન ટૂર્નામેન્ટ હતી જે પ્રેક્ષકો વગર બાયો બબલમાં રમી હતી. એક સપ્તાહ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં મહિલાઓમાં ટોચની ક્રમાંકિત તાઈ ઝૂ યિંગ અને પુરુષોમાં એન્ડર્સ એન્ટોનસેનનો ખિતાબ મેળવ્યો.

મહિલા ફાઇનલમાં ટોપ સીડ તાઇવાનની તાઈ ઝૂ યિંગ અને ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલિના મરીન સામ-સામે હતી. અગાઉના છેલ્લા બે અઠવાડિયામાં મરીને જુદી જુદી ટૂર્નામેન્ટની ફાઈનલમાં યિંગને પરાજિત કરી હતી. પરંતુ રવિવારે તાઇવાન ખેલાડી પાછલી હાર ભૂલીને શાનદાર રમત રમી હતી અને આ વખતે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

તાઇવાનની ૨૬ વર્ષીય પ્રથમ સેટ ૧૪-૨૧થી હારી ગયા બાદ રોમાંચક અંદાઝ માં વાપસી કરી હતી અને મરીનને ૨૧-૮ અને પછી ૨૧-૧૯ થી હરાવી હતી.

બીજી તરફ પુરુષોની ફાઇનલમાં આ વખતે ડેનિશના બે ખેલાડીઓ સામ-સામે હતા. વિક્ટર એક્સેલસન છેલ્લી બે ટૂર્નામેન્ટ જીત્યા પછી અહીં ત્રીજા ખિતાબની શોધમાં હતો પરંતુ તેનાજ દેશના એન્ડર્સ એન્ટોનસેને તેમનું સ્વપ્ન સાકાર થવા દીધું નહીં. એક્સેલસનને અહીં એન્ટોન્સનથી ૧૬-૨૧, ૨૧-૫, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડ્યો.