સ્મશાનોમાં ભડભડ સળગી રહેલી કતારબંધ ચિતાઓ, સરકારી અને ખાનગી દવાખાનાઓમાં મૃત્યુ સાથે ઝઝૂમી રહેલા દર્દીઓ અને ઊંચાજીવે ચિંતાતુર બેઠેલા તેમના હજારો કુટુંબીજનો, એક-એક ઈન્જેકશન, એક-એક ખાલી બેડ માટે બેબાકળા રખડતા નગરજનોના કપાળ પર તણાયેલી ચિંતાની રેખાઓ અને આંખોમાં ડોકાતા મૃત્યુના ભયના ઓળાઓના આ ગમગીન માહોલમાં, જ્યારે ટપ... ટપ... પડતી લાશોની મિજબાની માણવા મોઢામાં છૂટેલા પાણી સાથે નગરના આકાશમાં ગીધડાઓ ચક્કર કાપી રહ્યા છે, ત્યારે આ નગરના એક-એક નાગરિકને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની ફરજિયાત ફરજ હોવા છતાં નિષ્ફળ ગયેલું પાલિકાનું તંત્ર એક વિસ્તારના ૩૧ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવા તેની મશીનરી કામે લગાડે ત્યારે સ્વાભાવિક રીતે જ એ તંત્ર ઉપર ફિટકાર વરસાવવાનું મન થાય.

‘નબળો ધણી બૈરી પર શૂરો’ એ કહેવત સાર્થક કરતી પાલિકાની દબાણ શાખા આજે કિશનવાડી ઝંડાચોક ખાતે ૩૧ ગેરકાયદે દબાણો દૂર કરવા ત્રાટકી ત્યારે મોતના ભયના આવા ખોફનાક માહોલમાં એમનો હાથ પકડી રોકનાર આ વિસ્તારનો એક પણ કોર્પોરેટર, ધારાસભ્ય કે શાસક ભાજપાના સંગઠનનો એકપણ નેતા ફરકયો સુધ્ધાં નથી.

સત્તા મળી ગયા પછી પ્રજાની આ ઉપેક્ષા દ્વારા ભાજપાએ વધુ એકવાર પોતાનું ચારિત્ર્ય, સ્વભાવ અને આદત સાબિત કરી આપી છે. પ્રશ્ન એ છે કે આજે આખું શહેર જ્યારે ભયથી ફફડી રહ્યું છે ત્યારે એના વાંસે હૂંફાળો હાથ ફેરવી સાંત્વના આપવાના બદલે પાલિકાની વહીવટી પાંખને એવી કઈ ઈમરજન્સી લાગી કે એ ગેરકાયદે બાંધકામો તોડવાને પ્રાથમિકતા આપે!? વહીવટીતંત્ર તો અમાનવીય છે જ, પણ ચૂંટાયેલી પાંખ પણ ચૂપ રહીને પોતાની મૌન સંમતિ આપે એ માત્ર શરમજનક જ નહીં, લાખો મતદારોએ તેમના મુકેલા વિશ્વાસનું છડેચોક અપમાન છે.