વડોદરા : શહેરમાં રાત્રિ કરફ્યુના કારણે સુમસામ માર્ગો અને પોલીસની ગેરહાજરીનો ભરપુર ફાયદો ઉઠાવી રહેલા તસ્કરોએ ગત રાત્રે રિફાઈનરી રોડ પર આવેલા સાગર પ્લાઝામાં આવેલી ૧૪ દુકાનોના તાળાં તોડી સામુહિક ચોરી કરતા ચકચાર મચી છે. આ બનાવની જાણ થતાં જ વહેલી સવારે દુકાને દોડી આવેલા વેપારીઓ પણ એક જ રાતમાં એક સાથે ૧૪ દુકાનોમાં ચોરીની ઘટનાથી સ્તબ્ધ બન્યા હતા અને પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીંગ અને રાત્રિ કરફ્યુના બંદોબસ્ત સામે ભારે રોષ વ્યક્ત કરી તસ્કરોને ઝડપી પાડવાની માગણી કરી હતી.  

ગોરવા રિફાઈનરી રોડ પર આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગત રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. તસ્કરોએ કોમ્પ્લેક્સમાં આવેલી ભરતભાઈ રાઠીની માલિકીની રજવાડા નામની કપડાની ૧૩થી ૧૭ નંબરની પાંચ દુકાનના તાળાં તોડી દુકાનના કાઉન્ટરમાંથી રોકડા ૧૨ હજાર તેમજ સાડી, પેન્ટ અને ગાઉનના જથ્થા સહિત એક લાખની મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત તસ્કરોએ સાગર પ્લાઝામાં ૧થી ૯ નંબરમાં હરોળબધ્ધ આવેલી કિરણભાઈ ગોહિલની હાર્ડવેરની, નિમારામ ચૈાધરીની, શ્રીપાલભાઈ શાહની નવકાર સાડી, પ્રતાપભાઈ પરમારની શીવ ઈલેકટ્રીક, પિષુય ખંડેલવાલની ફેશન પોઈન્ટ અને અલ્પેશ પટેલની ગુરુકૃપા પાનની દુકાનોના શટરોના તાળા તોડી કુલ ૧૪ દુકાનોમાંથી રોકડ, કપડા, અને સિગરેટ પડીકીના જથ્થા સહિત કુલ ૧,૪૯,૮૦૦ની મત્તાની ચોરી કરી હતી.

આજે સવારે આ બનાવની જાણ થતાં તમામ દુકાનદારો પોતાની દુકાને દોડી આવ્યા હતા અને તેઓએ એક જ રાતમાં ૧૪ દુકાનોના તાળા તોડવાના બનાવના પગલે પોલીસની ઢીલી કાર્યવાહી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવા માટે માંગ કરી હતી. આ બનાવની ભરતભાઈ રાઠીએ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રણ તસ્કરોએ ૧૪ ચોરીને અંજામ આપ્યો

તસ્કોરનું પગેરુ મેળવવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી સાગર પ્લાઝામાં લાગેલા વિવિધ દુકાનોના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી જેમાં રાત્રે માત્ર ત્રણ જ તસ્કરો થેલા લઈને આવ્યા હોવાની તેમજ તેઓને ફોરવ્હિલના લોખંડના પાટાથી ફટાફટ તાળા તોડી તેમજ દુકાનના શટરો ઉંચા કરીને અંદર પ્રવેશ કર્યો હોવાની વિગતો મળી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના પગલે તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ શરૂ કરી છે.