આણંદ : આણંદ તાલુકાના વાસદ ગામમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈને ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી એક સપ્તાહ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ ગામના તમામ બજારો અને દુકાનો સદંતર બંધ રહેશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, વાસદ ગામમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. અહીં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વાસદ ગ્રામ પંચાયત દ્વારા તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૨૯ સપ્ટેમ્બર દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામના સરપંચ ધર્મીષ્ઠાબેન અલ્પેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વધતાં જતાં કોરોના સંક્રમણને લઈને ગામના નાગરિકોની સુરક્ષા જાેખમાઈ છે. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં દરેક નાગરિકોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ફળિયામાં, ટાવર ચોકમાં, ભાથીજી જેવાં જાહેર સ્થળોએ ટોળે વળી બેસી શકાશે નહીં. આવતીકાલે તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન ગામમાં નાના મોટા વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા વેપાર બંધ રાખવાના રહેશે. દરેક વેપારી તથા લારી ગલ્લાવાળાએ તેમજ હોટલ માલિકોએ આ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. સવારે ૯થી ૧૨ વાગ્યા દરમિયાન દુકાનો ખુલ્લી રાખી શકાશે અને ત્યારબાદ તમામ દુકાનો બંધ રાખવાની રહેશે.