અરવલ્લી ,ધનસુરા,તા.૩૦ 

ધનસુરા તાલુકાના વડગામ નજીક આવેલા રાજપુર ગામ પાસેથી પસાર થતી માઝુમ નદીના કિનારે વિસ્ફોટ કેપ લઈ ગામનો એક ૩૩ વર્ષીય યુવક અન્ય સગીર સાથે માછલાં પકડવા જતા યુવકની બેદરકારીના લીધે વિસ્ફોટ કેપ ફાટતા માછીમારી કરી રહેલ યુવકના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સાથે રહેલા સગીર ભત્રીજાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો ધડાકાભેર વિસ્ફોટના અવાજના પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરાના રાજપુર ગામનો સોમાભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વર્ષ-૩૩) અને સુરેશ વિજય ભાઈ પરમાર (ઉં.વર્ષ-૧૪ ) સાથે ગામ નજીકથી પસાર થતી માઝુમ નદીના કિનારે પથ્થરો તોડવાની વિસ્ફોટક કેપ લઈ માછીમારી કરવા ગયો હતો.માઝુમ નદીમાં માછીમારી કરવા ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક કેપ ફોડવામાં સોમાભાઈ નામના યુવકે ગફલત કરતા વિસ્ફોટક કેપ તેની નજીક ફાટતા સોમાભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. માછીમારી કરવા સાથે ગયેલા મૃતક યુવકના સગીર ભત્રીજાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વિસ્ફોટ અવાજને લઈને દોડી આવેલા લોકોએ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સારવાર અર્થે મોકલી આપ્યો હતો.