દિલ્હી તા. 11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભગવદ ગીતાનું કિંડલ સંસ્કરણ લોન્ચ કર્યુ હતુ. અને આ કાર્યક્રમને સંબોધીત કરતા કહયુ કે યુવાનોને ગીતાના વિચારોથી જોડવા જરુરી છે. અને તેમાં આ કિંડલ સંસ્કરણ મહત્વનું બની રહેશે. મોદીએ કહયુ કે ગીતા એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ તેના ઉપદેશ અત્યંત વ્યવહારીક અને ભરોસામંદ છે અને આજના જીવનમાં ગીતાનો શાંતિ સંદેશ મહત્વનો છે. મોદીએ કહયુ કે ગીતાની સુંદરતા તેની ઉંડાઇ, વૈવિધ્યતા અને નમ્યતામાં છે. આચાર્ય વિનોબાભાવેએ એક એવી માતાના સ્વરુપમાં વર્ણન કર્યુ હતુ કે જે ઠોકર લાગવા પર બાળકને પોતાની ગોદમાં લઇ લે છે. મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક અને મહાકવિ સુબ્રમણ્યમ ભારતી જેવા મહાન લોકોએ પણ ગીતા ઉપદેશથી જ જીવનને સાર્થક કર્યુ હતુ. મોદી એ આ તકે જણાવ્યુ કે ગીતા આપણને વિચારવા માટે મજબુર કરે છે અને સવાલ કરવા માટે પણ પ્રેરીત કરે છે. તે ચર્ચાને પ્રોત્સાહીત કરે છે અને દિમાગને ખુલ્લુ કરે છે.