વડોદરા

બગીખાના પાસે શહેરના માજી સાંસદ સત્યજીત ગાયકવાડને માસ્કના દંડની પાવતીના મુદ્દે જાહેરમાં લાફા ઝીંકવાના બનાવમાં ગણતરીના કલાકમાં શહેર પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની રાત્રે ગોત્રી કેનાલ પાસે ઝોમેટોના ડિલીવરી બોયને કારણવિના જ પીઠમાં દંડો ફટકારી દેતા યુવકે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી સમગ્ર બનાવની રાજ્યના પોલીસ વડાને જવાબદાર પોલીસ જવાન સામે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી છે. આંણદના આંકલાવ ખાતે બોદાલરોડ પર ઈન્દ્ર ટાઉનશીપમાં રહેતો ઈશ્વર રમેશચંદ્ર રાઠોર અગાઉ ખાનગી શાળામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હતો પરંતું લોકડાઉનમાં તેની નોકરી છુટી જતા તેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઝોમેટોમાં ડિલીવરી બોય તરીકે નોકરી શરૂ કરવાની ફરજ પડી છે. તે આંકલાવથી રોજ બાઈક પર વડોદરા અપડાઉન કરે છે. ગત થર્ટીફર્સની રાત્રે તે નોકરી પરથી છુટીને ગોત્રી રોડથી સેવાસી થઈ તેના ઘરે જતો હતો તે સમયે ૧૦ વાગ્યાના અરસામાં ગોત્રી કેનાલ ચેકપોસ્ટ પાસે તેને એક પોલીસ જવાને દંડો બતાવી ઉભો રહેવા ઈશારો કર્યો હતો. બાઈકની સ્પીડ વધુ હોઈ તેણે તુરંત બ્રેક મારી બાઈકને થોડી આગળ ઉભી રાખી હતી. તે કંઈ સમજે તે પહેલા જ પાછળથી ધસી આવેલા એક પોલીસ જવાને તેના શરીરના પાછળની તરફ જાેરથી દંડો ફટકાર્યો હતો. કડકડતી ઠંડીમાં અચાનક દંડા મારતા તે દર્દથી કણસી ઉઠ્યો હતો અને મને દંડો કેમ માર્યો તેવુ પુછતા પોલીસ જવાનોએ તેને સીધેસીધો ઘરે જતો રહે નહી તો કેસ કરીશ તો તકલીફમાં મુકાઈ જઈશ તેમ ધમકાવ્યો હતો. પોલીસે મારેલા દંડાથી દર્દ થતા તે પોલીસ જવાનો સામે રડી પડ્યો હતો પરંતું કોઈએ સહાનુભુતિ બતાવી નહોંતી. ઈશ્વરને પીઠના ભાગે દુઃખાવો થતાં તેણે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને એમએલઓએ પોલીસને તપાસ માટે જાણ કરી હતી છતાં પોલીસે ઈશ્વરની કોઈ ફરિયાદ નોંધી નથી. પોલીસ જવાને કારણવિના હુમલો કરતા વકીલ ભૈામિક શાહ મારફત રાજયના પોલીસ વડાને જવાબદાર પોલીસ જવાન સામે કાર્યવાહી કરવા અરજી કરી હતી.