ગાંધીનગર

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના હવે ગુજરાતમાં વિધાનસભા સુધી પહોંચ્યો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. ગઈકાલે 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા છે, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે.

જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

કોરોનાની બીજી લહેરે અનેક લોકોને ઝપટમાં લીધા છે, ત્યારે હંમેશાં પ્રજાની વચ્ચે રહેતા દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી કોરોના પોઝિટિવ આવતાં ગાંધીનગરમાં જ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. થાક અને અશક્તિ લાગતાં રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આજે સવારે તેઓ ગૃહમાં પણ હાજર હતા.

રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય તાવ અને કળતર જેવું જણાતાં તેઓ આજે ગૃહમાં આવ્યા નહોતા. જોકે ધર્મેન્દ્રસિંહનાં લક્ષણો જોતાં તેમને અન્ય સારવારની સાથે સાથે કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જોકે હાલમાં અમદાવાદ યુએન મહેતાની મેડિકલ ટીમ તેમના મંત્રી નિવાસસ્થાને પહોંચશે, જ્યાં જરૂરી તમામ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ પણ કરશે, એમ તેમના ઓફિસ કાર્યાલય દ્વારા જાણવા મળ્યું હતું.