દાહોદ, દાહોદ શહેરમાં બાલાજી હોટલ સામે આવેલ નીલ પેટ્રોલપંપ આગળ ઇન્દોર અમદાવાદ હાઇવે રોડ પર પુરપાટ દોડી આવતા ટ્રેક્ટર બે મોટર સાઇકલોને અડફેટમાં લેતા બંને મોટર સાઇકલ પર સવાર ચારેજણા રોડ પર પટકાતા તેઓને સામે થી પુરપાટ દોડતી સ્કોર્પિયો ગાડીએ અડફેટમાં લેતા સર્જાયેલા વિચિત્ર ગમખ્વાર અકસ્માતમાં મોટર સાઇકલ પર ચાર પૈકી એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું તથા ત્રણને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે ૧૦૮ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

આજરોજ સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે એક ટ્રેક્ટર ચાલકે તેના કબ્જાનું ટ્રેક્ટર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઇન્દોર અમદાવાદ હાઇવે પર દાહોદ શહેરની બાલાજી હોટલની સામે નીલ પેટ્રોલપંપ આગળ રોડ પર સામેથી આવતી જીજે.૨૦.કે.૬૨૮૮ નંબર ની મોટર સાઇકલ તથા જીજે.૦૩.એફ એલ.૬૫૬૧ નંબર ની મોટર સાઇકલને અડફટે માં લેતા બંને મોટર સાઇકલના ચાલકો તથા પાછળ બેઠેલ ઈસમો મોટર સાયકલો પર થી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. તે જ વખતે સામે થી પુરપાટ દોડી આવતી કાળા કલરની જીજે.૨૦.એ એચ.૭૭૬૧ નંબરની સ્કોર્પિયો ગાડીના ડ્રાઇવરે રોડ પર પટકાયેલા દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના ભાભોર ફળિયામાં રહેતા ૨૭ વર્ષીય ગોરકા ભાઈ ખતરા ભાઈ મોહનીય પર ગાડી ચડાવી દઈ ગંભીર ઇજાઓ પહોં ચાડતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે મોટરસાઇકલ પરથી પટકાયેલા શૈલેષભાઈ કશુભાઈ નીનામા, પ્રતાપભાઈ હિમાભાઇ ગણાવા, રત્નાભાઈ નાનાભાઈ ગણાવા ને શરીરે ઓછી વતી ઇજાઓ તથા ટ્રેક્ટર ચાલક તેના કબ્જાનું ટ્રેક્ટર લઈ નાસી ગયો હતો. ત્યારે સ્કોર્પિયો ચાલક સ્થળ પર જ સ્કોર્પિયો મૂકી નાશી ગયો હતો. વિચિત્ર અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને ૧૦૮ બોલાવી ત્રણે ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.