વડોદરા, તા.૩૦

હાલોલ-વડોદરા હાઈવે પર વાઘોડિયા તાલુકાના ભણિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસની ડ્રાઈવરની કેબિનનો કચ્ચરઘાણ બોલી જવા સાથે ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતાં તેણે ફાયર બ્રિગેડ કેબિનનાં પતરાં કાપી બહાર કાઢયો હતો. આ બસમાં મુસાફરી કરી રહેલા ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફત ડ્રાઈવર સહિત મુસાફરોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ વાઘોડિાય પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રહેવાસી શાહરૂખ સમદ કુરેશી (ઉં.વ.૩૩) ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં રાજસ્થાનના પ્રતાપગઢ સહિત અન્ય મુસાફરોને લઈને મુંબઈ તરફ આવી રહ્યો હતો. આખી રાત ડ્રાઈવિંગ કરી વડોદરા-હાલોલ રોડ પર આવતાં આજે વહેલી સવારે ભણિયારાના બસ સ્ટેન્ડ પાસે તેણે અચાનક ઝોકું આવી ગયું હતું અને બસ સીધી ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ અને મુસાફરોની ચિચિયારીઓના અવાજથી ગામના રહીશો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ સફાળા જાગી જતાં દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ફાયર બ્રિગેડ તેમજ ૧૦૮ ને કરવામાં આવી હતી. આ બંને ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે બસના કેબિનનો ભાગ કાપી ડ્રાઈવરને બહાર કાઢયો હતો અને બસમાં સવાર ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી ત્વરિત ૧૦૮ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકને કરાતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.