આણંદ, નડિયાદ : આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલી નાખ્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખે આજે જાહેરાત કરતાં કહ્યું છે કે, ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજાને ટિકિટ નહીં આપે! ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને પણ બાકાત રાખવામાં આવશે. આટલું જ નહીં ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કરી હતી. પાટીલની આવી જાહેરાત પછી સ્થાનિક લેવલે સોંપો પડી ગયો છે. અંદરખાને રોષ પણ વ્યાપ્યો છે, પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, હવે જાયેં તો જાયેં કહાં? સી.આર. પાટીલની આ જાહેરાત પછી આણંદ અને ખેડામાં પણ અનેક જૂનાં જાેગીઓના પત્તા કપાઈ ગયાં છે. એટલું જ નહીં, પોતાના પરિવારજનોને ટિકિટ અપાવવા દોડધામ કરી રહેલાં નેતાઓને પણ ભાઉંએ ઘરનો દરવાજાે દેખાડી દીધો છે.

સૂત્રોનું કહેવું છે કે, આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ કઠોર ર્નિણય લેવામાં આવ્યો હતો. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. પહેલો ભાજપમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં. ઉપરાંત ૩ ટર્મ પૂરી થઈ ગઇ હોય તેવાં ઉમેદવારને પણ ટિકિટ આપવામાં નહીં આવે. આ ઉપરાંત આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવામાં નહીં આવે.

મજાની વાત તો એ છે કે, ચરોતરમાં આગામી ૨૮ના રોજ આયોજિત પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જ ભાજપ સી.આર. પાટીલની આવી જાહેરાતથી દોડધામ મચી ગઈ છે. પ્રદેશ પ્રમુખની આવી જાહેરાતને લઈને આણંદ અને ખેડામાં અનેક મોટાં માથા વઢાઈ જશે! ચરોતરમાં મહત્વની મનાતી આણંદ પાલિકાના કેટલાંય કાઉન્સિલર ઘરેભેગાં થઈ જશે. આ કાઉન્સિલરોએ પોતાનું માથું કપાય તો સગાં-સંબંધીઓને ગોઠવવા માટે છેલ્લાં ઘણાં દિવસથી તખતો તૈયાર કર્યો હતો, પણ હવે ગોઠવાયેલાં એ તખ્તા પર પણ પાણી ફરી વળશે. પક્ષમાં આંતરિક ચણભણાટ શરૂ થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

નવાઇ ની વાત એ છે કે, પક્ષ દ્વારા સેન્સ લેવાયાં બાદ પેનલ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે જ સી.આર. પાટીલે કોથળામાંથી પાંચ શેરી મારતાં કેટલાંય સમીકરણો ઊંધા વળી ગયાં છે! ચરોતરના અનેક નેતાઓની હાલ તો દિલ કે અરમાં આંસુંઓ મેં બહ ગએ... જેવી હાલત થઈ છે.

વોર્ડદીઠ ૧૬ નામોની યાદી મોકલાઈ

પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધાં બાદ પ્રત્યેક વોર્ડદીઠ ૧૬ નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે સંબંધિત શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું હતું. તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે ૧૬ નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેનાં પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

બેઠકમાં ફાઇનલ થયેલી યાદી જ દિલ્હી મોકલાશે

ભાજપમાં આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય એવી શક્યતા છે. મહદંશે બેઠકમાં ફાઇનલ થયેલી યાદી જ દિલ્હી મોકલાશે. માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડમાં બે કે ત્રણ નામોની પેનલવાળી યાદી દિલ્હી મોકલવામાં આવશે.