ગાંધીનગર-

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી હતી.