બનાસકાંઠા-

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતો જિલ્લો છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા જ્યારે પાણીની અછત હતી ત્યારે ખેડૂતો માત્ર સિઝન આધારિત ખેતી કરતા હતા. જોકે, છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતા પાલનપુરનાં યશ પઢિયારને આ વર્ષે ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આમંત્રિત ત્રણ ખેડૂતો ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માત્ર સીઝન આધારિત ખેતી કરતા હતા. પરંતુ દિવસેને દિવસે ભારત દેશમાં વધી રહેલી ટેક્નોલોજીના આધારે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો અલગ-અલગ પદ્ધતિઓથી ખેતી કરીને સારી આવક મેળવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ ખેતી કરવામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર આવે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે દેશ અને વિદેશની ટેક્નોલોજીના સાધનો વાપરી હાલમાં અલગ-અલગ પ્રકારની ખેતીઓ કરે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મશરૂમ, દાડમ, સ્ટ્રોબેરી અને હવે વધતી જતી ટેકનોલોજીના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ વિવિધ ટેક્નોલોજીના કારણે બહારના દેશોની જેમ ખેતી કરી રહ્યા છે.

વિશ્વમાં કૃષિક્ષેત્રમાં પરિવર્તન, ઇકોસિસ્ટમ પુનર્જીવન, આરોગ્ય અને સાર્વભૌમત્વ જેવા વિષયો પર ચર્ચા અને સમસ્યાઓના નિવારણ માટે દર વર્ષે ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થતું હોય છે. આ વર્ષે યુરોપનાં ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ગુજરાતમાંથી ત્રણ લોકોની પસંદગી કરાઈ છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાંથી એક માત્ર યુવાન ખેડૂતની પસંદગી થવા પામી છે. આ ત્રણેય પ્રગતિશીલ ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.