વડોદરા : કોરોનાએ આજે એક જ દિવસમાં બિન સત્તાવાર આંક મુજબ ૧૫૭નો ભોગ લીધો હતો. જ્યારે આધારભૂત સાધનોએ પોતાનું નામ નહીં ટાંકવાની શરતે વડોદરામાં આજે એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓનો આંકડો ૨૦૦થી વધુ પર પહોંચ્યો છે. આવા સમયે ઊભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસેને દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે વધુ ૧૫૭ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે, જ્યારે અત્યાર સુધી આ તબક્કાના સૌથી વધુ ૫૭૨ વ્યક્તિઓ પોઝિટિવ આવતાં આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલદી સાજા થતા નથી તેમજ એમનામાં કોઈ ને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતાં તબીબી આલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી, જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી ૬૨ દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી ૭૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી ૧૩૨ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે રજા અપાયેલા કુલ દર્દીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. આજે કુલ ૪૧૯ને રજા અપાઈ છે. જેમાં ૬૨ સરકારી અને ૭૦ ખાનગી હોસ્પિટલના દર્દીઓ ઉપરાંત ૨૮૭ હોમ ક્વોરન્ટાઈનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૫૭૨ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૧૭૯ છે, જે આંક મોડી સાંજે બસોને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર સાતના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૭૪૩૬ દર્દીઓમાં આજના ૫૭૨ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૮૦૦૮ સુધી પહોંચ્યો છે, જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૩૩ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર-જિલ્લાના ૬૨ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતાં એ બાબત ચિંતાનો વિષય બની ચૂકી છે. આજરોજ લેવાયેલા ૬૪૯૧ સેમ્પલોમાંથી ૫૯૧૯ નેગેટિવ અને ૫૭૨ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૩૦૨ મૃતાંકમાં વધુ સાતનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૩૦૯ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૫૮૦૦ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૫૧૭૮ સ્ટેબલ, ૩૭૬ ઓક્સિજન ઉપર અને ૨૪૬ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૬૨ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૭૦ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૮૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમિયાન ૪૧૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૩૧૪૮૦ દર્દીઓમાં વધુ ૪૧૯નો ઉમેરો થતાં સંખ્યા ૩૧૮૯૯ થતાં હવે એનો આંકડો ૩૨ હજારને આંબી ૩૩ હજારની નજીક પહોંચી ગયો છે. કોવિડ-૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવે છે. આવી ૧૦૯૮૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે.

કોરોનાના હાહાકારનો તાપ એટલો બધો છે કે એમાં માનવીય સંવેદનાઓનો ધરાર શૂન્યાવકાશ જાેવા મળી રહ્યો છે. જીવ બચાવવાને માટે એકએક માનવી તંત્ર સામે હવાતિયાં મારી રાહ્યુઇ છે.સાથોસાથ બેબે હાથ જાેડીને એના પરિવારજનો અનેક કાકલૂદીઓ કરે છે.તેમ છતાં નઠોર તંત્ર વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં ફુલ્લી નાપાસ થયું છે. આયોજનોની ગુલબાંગો વચ્ચેનું કડવું સત્ય શહેરની એકએક ખાનગી અને સરકારી હોસ્પિટલના પ્રાંગણમાં જાેવા મળી રહ્યું છે.જેને લઈને રોજે રોજ મૃતાંકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. હવે તો જાે આજ સ્થિતિ ચાલુ રહી તો સ્મશાનોમાં લાકડા મળવા મુશ્કેલ બની જશે એવી કરું સ્થિતિ સર્જાવાના દિવસો દૂર રહ્યા નથી. આ બધા વચ્ચ કોરોનાના દર્દીઓની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે.