નડિયાદ : અધિક મહિના એટલે દાન-પૂણ્યનો મહિનો ગણાય છે. અધિકમાસમાં દાન-પૂણ્યનું ખુબ જ મહત્ત્વ રહેલું છે. શુક્રવારે અધિકમાસના છેલ્લાં દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયને દિપદાન કરીને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દિપદાનને કારણે રાજા રણછોડરાયનો દરબાર ઝળાહળાં થઈ ઊઠ્યો હતો.  

ડાકોરમાં અધિક માસનો ખાસ મહિમા છે. અધિક માસ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરમાં પ્રભુને રિઝવવા ભક્તો દ્વારા વિવિધ મનોરથ અને ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા. ભક્તો શ્રદ્ધાળુઓએ અધિક માસ દરમિયાન રણછોડરાયજી મંદિરમાં મન ભરી દર્શન અને મનોરથનો લાભ લઇ કૃતાર્થતા અનુભવી હતી. મંદિરમાં દીપદાન મનોરથ આ માસના સૌથી આકર્ષક મનોરથ બની રહ્યો હતો. આખું મંદિરમાં ફક્ત દીવડાઓના જ પ્રકાશથી ઝળહળી ઊઠતાં અલૌકિક દૃશ્ય સર્જાયું હતું.

દીપદાનના આ મહિમાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરમાં દીપદાન મનોરથ અન્વયે સમગ્ર મંદિર પરિસર અને નિજ મંદિર તેમજ ઘુમ્મટમાં દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. મંદિરની બંને દીપમાળને પણ દિવડાઓથી શણગારવામાં આવી હતી. ડાકોર મંદિરમાં ધર્મ અને અધ્યાત્મ અને ભક્તિનો સુલભ સમન્વય ભક્તોના હૃદયને તરબોળ કરતો માહોલ સર્જાયો હતો. શાસ્ત્રોમાં વિષ્ણુ પૂજામાં દીપદાનનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને કારતક માસમાં જે વ્યક્તિ મંદિરમાં કે નદી કિનારે તુલસીના છોડ નીચે અને પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે તેમને બધા સુખોની પ્રાપ્તિ થાય છે, એવું કહેવાય છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સામે દીવો પ્રગટાવવાથી અનંત સુખોની પ્રાપ્તિ થાય છે. પૂણ્ય કર્મોમાં વધારો થાય છે. આ મહિનામાં દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં છવાયેલો અંધકાર દૂર થાય છે. વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.