ગાંધીનગર, રાજ્યની વિવિધ ૧૬ સરકારી ઈજનેરી કોલેજાેમાં વર્ગ ૧,૨ અને ૩ ની કુલ ૨૪૮૯ મંજૂર જગ્યાઓમાંથી ૭૧૩ જગ્યાઓ ખાલી પડી છે. તે અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં ભરતીની પ્રક્રિયાએ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જે સતત ચાલતી રહે છે. આજે વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો કનુભાઈ બારૈયા, કાળાભાઈ ડાભી અને પૂનમભાઈ પરમાર દ્વારા રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં વર્ગ-૧, ૨ અને ૩ માં મંજૂર મહેકમ અને ખાલી જગ્યાઓ સંદર્ભે સવાલો ઉપસ્થિત કરાયા હતા. આ ધારાસભ્યોના સવાલો અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજાેમાં વર્ગ-૧ નું ૫૩૪ નું મંજૂર મહેકમ છે, તેમાં ૨૩૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૨૯૬ જગ્યાઓ ખાલી પડી છે.

જયારે વર્ગ-૨ નું કુલ ૧૪૬૭ નું મંજૂર મહેકમ છે, તેમાં ૧૩૨૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૩૯ જગ્યાઓ ખાલી પડેલી છે, તો વર્ગ-૩ નું કુલ મંજુર મહેકમ ૪૮૮ નું છે, તેમાં ૨૧૦ જગ્યાઓ ભરાયેલી છે અને ૨૭૮ જગ્યાઓ ખાલી પડેલી છે. આમ રાજ્યની વિવિધ ૧૬ સરકારી ઈજનેરી કોલેજાેમાં વર્ગ-૧, ૨ અને ૩ નું કુલ ૨૪૮૯ નું મહેકમ મંજૂર કરાયેલું છે, તેમાંથી કુલ ૧૭૭૬ જગ્યાઓ ભરાયેલી છે તેની સામે ૭૧૩ જગ્યાઓ ખાલી પડી છે.જે અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના નિયત માધ્યમ દ્વારા ભરતીની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ ઉમેદવારને રાજ્ય સરકારના વિભાગોની સતત ભરતીથી ઇચ્છિત સારો વિકલ્પ મળતા જગ્યાઓ ખાલી પડવાની સાથે વયનિવૃતિ, સ્વૈચ્છિક નિવૃતિ તથા બઢતીથી પણ આ જગ્યાઓ ખાલી પડે છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા કેલેન્ડર ભરતી પ્રક્રિયા સતત ચાલે છે. મુખ્યમંત્રી પોતે જ તેનું મોનેટરિંગ કરી સમયસર જગ્યાઓ ભરાય તેનું ખાસ ધ્યાન રાખે છે.

વર્ગ-૧ ની ખાલી જગ્યાઓથી શિક્ષણ ઉપર અસર નથી પડતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ સરકારી કોલેજાેમાં વર્ગ-૧ ના મહેકમ અને ખાલી પડેલી જગ્યાઓ અંગે સવાલ પૂછ્યો હતો. જેના અંતર્ગત ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરે પેટા સવાલ પૂછ્યો હતો કે, વર્ગ-૧ ની ખાલી પડેલી જગ્યાઓથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઈ અસર પડે છે કે કેમ? જેના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વર્ગ-૧ ની ખાલી પડેલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઈ અસર પડતી નથી.