મહેસાણા : મહેસાણા એલસીબીએ વણિકર કલબ નજીક મ્યુનિસિપલ ગ્રાઉન્ડ બહાર રાત્રે ગાડી લઇને ગેરકાયદે હથિયાર વેચવા ઊભેલા શખ્સને ઝડપી લીધો હતો. શહેરના કસ્બા કુંભારવાસમાં રહેતા ફૈસલ સેતા નામના આ શખ્સ પાસેથી રૂ.૯૦ હજારની કિંમતની મેડ ઇન યુએસએ અને જાપાનની બે પિસ્તોલ, કાર્ટિઝ, ગાડી મળી કુલ રૂ.૪,૯૫,૭૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ પિસ્તોલ વડોદરાના બે શખ્સોએ વેચવા આપી હોવાનું ખુલતાં પોલીસે  ત્રણે શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. એલસીબી ટીમને બાતમી મળી હતી કે, શહેરના કસ્બા કુંભારવાસમાં રહેતો ફૈસલ રફીકભાઇ સેતા ગેરકાયદે હથિયાર વેચે છે અને હાલ વણીકર કલબ નજીક મ્યુનિસિપલ ગ્રાઉન્ડના દરવાજા પાસે આઇ-૧૦ લઇ ગ્રાહકની રાહ જોઇને ઉભો છે. જે આધારે પોલીસે છાપો મારી ફૈસલ સેતાને પકડી રૂ.૯૦ હજારની બે પિસ્તોલ, રૂ. ૭૦૦ના જીવતા ૭ કાર્ટિઝ, રૂ.૫૦૦૦નો મોબાઇલ તેમજ રૂ.૪ લાખની ગાડી અને બેકનું એટીએમ મળી કુલ રૂ.૪,૯૫,૭૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. વડોદરાના બે શખ્સની સંડોવણી ખુલી ફૈસલ સેતાની પોલીસે પૂછપરછ કરતાં વડોદરાના મોટી વ્હોરવાડ નવી ધજાપીર દરગાહ પાસે રહેતા મુખ્તાર અહેમદ મોહમદઅકીલ ગોલાવાલા અને મોહંદીસેદ ચાંદમીયા સોપારીવાલાએ પિસ્તોલ વેચાણ માટે આપી હોવાનું જણાવ્યું હતું.