વડોદરા : શ્રાવણમાસ પુરો થવા આવ્યો છે છતાં પણ શહેર –જિલ્લામાં શ્રાવણિયા જુગાર સાથે સટ્ટાબેટીંગનો જુગારની મહેફિલો હજુ પણ ધમધમી રહી છે. શહેર-જિલ્લા પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડીને પત્તાપાનાનો તેમજ સટ્ટાબેટીંગનો જુગાર રમતા ૪૦ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત લાખોની મત્તા જપ્ત કરી હતી. અકોટાગામમાં હુસેની મસ્જીદ પાછળ ટ્રેકટરવાલાની ચાલીના નાકે સાજીદ નામનો ઈસમ અન્ય લોકો સાથે મળીને સટ્ટાબેટીંગનો જુગાર રમાડતો હોવાની વિગતો મળતા ડીસીબી પોલીસની ટીમે ગત મોડી સાંજે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સાજીદ યાસીન માલિક (અકોટાગામ, હુસેની મદ્રેસા પાછળ) તેમજ ઈશાક નુરમહંમદ વ્હોરા, શબ્બીર મલંગ કુરેશી, રફીક રજ્જાક ઘાંચી અને મહેન્દ્ર ગોવિંદ પરમારને સટ્ટાબેટીંગનો જુગાર રમતા રંગે હાથ ઝડપાતા પોલીસે પાંચેયની અટકાયત કરી હતી અને તેઓની પાસેથી રોકડા ૬૭,૮૦૦, સટ્ટાબેટીંગના જુગાર રમવાનું સાહિત્ય, ૭ મોબાઈલ ફોન અને એક એક્ટિવા સહિત ૧,૫૫,૮૦૦ની મત્તા જપ્ત કરી હતી. 

તેવી જ રીતે આજવારોડ પર પુનમનગરમાં રહેતો અતુલ સરાણિયા તેના ઘરમાં બહારથી માણસો બોલાવીની જુગારધામ ચલાવતો હોવાની વિગતો મળતા ડીસીબી પોલીસની ટીમે બપોરના સમયે અતુલના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અતુલનો પુત્ર ગણેશ મકાનમાં જુગાર રમાડતો રંગે હાથ ઝડપાયો હતો. દરમિયાન પોલીસે મકાનમાં જુગાર રમી રહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા કુલ ૨૩ જુગારિયાઓની અટકાયત કરી હતી અને તેઓની પાસેથી રોકડા ૧૭,૮૬૦ તેમજ ૧૩ મોબાઈલ ફોન અને ૮ અલગ અલગ વાહનો સહિત કુલ ૩,૧૦,૮૬૦ની મત્તા જપ્ત કરી હતી. દરોડા દરમિયાન નહી ઝડપાયેલા અતુલ સરાણિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ ઉપરાંત ડીસીબી પોલીસની ટીમે કિશનવાડી વુડાના મકાનમાં આંગણવાડી પાસે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા નિરવ ઈશ્વર પરમાર, મનોજ નટુ માળી અને રાકેશ હસમુખ વાઘેલાને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૨૨,૮૦૦ તેમજ ૩ મોબાઈલ ફોન અને એક બાઈક સહિત ૭૬,૩૦૦ની મત્તા કબજે કરી હતી.

જયારે જિલ્લામાં મીંયાગામ લાકોદરારોડ પર ખેતરમાં આજે બપોરે લીમડાના ઝાડ નીચે પ્લાસ્ટીકનો કોથળો પાથરીને જુગાર રમી રહેલા વિજય નટવર પઢિયાર, ચન્દ્રસિંહ છત્રસિંહ પઢિયાર, સુરેન્દ્ર છત્રસિંહ મહિડા, બળવંત રામસિંહ પઢિયાર, રાજેન્દ્ર ગણપતસિંહ પઢિયાર, સુરેન્દ્ર મહિપતસિંહ પઢિયાર, જુુમ્માશા ગુલાબશા દિવાન, મહેન્દ્ર નટવરસિંહ રણા અને મનુ બબુભાઈ સોલંકીની કરજણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૭,૦૫૦ જપ્ત કર્યા હતા.