વડોદરા, તા.૨૪

પીસીબી પીઆઈ જે.જે.પટેલને બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પદાર્થનું મોટાપાયે અનઅધિકૃત વેચાણ શહેર નજીક થતું હોવાની બાતમી મળી હતી. ટ્રાન્સપોર્ટ કંપનીમાં જ દશરથ નજીક ચાલતા આ કૌભાંડના સ્થળે દરોડો પાડવા પીઆઈ ખુદ ટીમના હરિભાઈ, ભરતસિંહ, વિનોદભાઈને લઈને પહોંચ્યા હતા.

દશરથ ગામ ને.હા. નં.૪૮ મુખ્ય માર્ગ ઉપર આવેલા રણછોડજીના મંદિરની બાજુમાં શિવ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પહોંચી તપાસ કરતાં ઓફિસ માટે બનાવેલી ઓરડીની નીચે પેટ્રોલ પંપમાં હોય છે એવી અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી, જેને ફયુઅલ પંપ મારફતે બાયોડીઝલના નામે નાના મોટા માલવાહક વાહનોમાં ડીઝલ ઈંધણ સ્વરૂપે ભરી આપતા હતા.

પીસીબીની ટીમ દરોડા માટે પહોંચી એ સમયે જ એક મોટું ટેન્કર નં. એનએલ ૦૧, એડી ૬૧૭૮ ખાલી કરવા માટે ટાંકીમાં પેટ્રોલિયમ પદાર્થ ઠાલવી રહ્યું હતું. પોલીસે વિવિધ સરકારી ઓથોરિટીના અધિકૃત લાઈસન્સ / એનઓનસી વગર ઝેરી પ્રદૂષણ ફેલાવતાં હલકી ગુણવત્તાના પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરવા બદલ ત્રણ ઈસમો માધવ કિશનલાલ શર્મા, રાકેશ રામપ્યારે યાદવ, જસવિન્દર સિંગ હાકમસિંગ મથારૂને ઝડપી પાડયા હતા. જ્યારે ફયુઅલ પંપ, ટેન્કર પેટ્રોલિયમ પદાર્થ ર૬ હજાર લિટર કિંમત ૧૭ લાખ ઉપરાંત મળી કુલ ૩ર લાખનો મુદ્‌ામાલ કબજે કરી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક મિતેશભાઈ પટેલ (રહે. અમિતનગર, કારેલીબાગ), અજયભાઈ શાહ (રહે. પ, સરસ્વતી શ્રીરંગ સોસાયટી, કોન્વેટ સ્કૂલ સામે, ફતેગંજ)ને ફરાર જાહેર કર્યા છે. છાણી પોલીસે આ મામલે ઈપીકો કલમ ર૭૮, ર૮પ, ૩૦૮ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ પેટ્રોલિયમ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે, જેની તપાસ પીસીબી ચલાવી રહી છે.