વડોદરા :  મકરપુરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન હાઈવે પર કપુરાઈ રેલવે બ્રિજથી થોડે દુર આવેલા સાવરિયા ગ્રેનાઈટ ઈન્ડસ્ટ્રીઝ કંપની સામેના રોડ પર માલસામાનના પેકિંગ થયેલા કાર્ટુનો સહિતનો એક આયશર ટેમ્પોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન માલસામાનના કાર્ટુનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની જાણ થતાં પોલીસે તુરંત ટેમ્પોચાલક સુરેશકુમાર રામપ્રસાદ ધોબી (વિદ્યાભારતી વિદ્યાલય પાસે, શમશાબાદ, તા.પલવલ, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે બંધબપોડીના ટેમ્પોમાંથી વિદેશી દારૂની ૪૨૦ પેટીમાં મુકેલી ૨૦.૧૬ લાખની કિંમતની દારૂની કુલ ૭૨૦૦ બોટલો તેમજ ૧૮ લાખનો આયશર ટેમ્પો સહિત કુલ ૩૮,૨૧,૭૨૦ની મત્તા જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જંગી જથ્થો હરિયાણાના હિસ્સારમાં રહેતા સુનિલ નામને ઠેકેદારે ટેમ્પોમાં ભરાવીને મોકલ્યો હોવાની વિગતો મળતા પોલીસે સુનિલને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજીતરફ પોલીસે સુરેશકુમારનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરાશે તેમ જણાવી તેને હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. જ્યારે બીજા બનાવમાં શહેર નજીકના નેશનલ હાઈવે પાસે આવેલ એક બંધ દુકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે ૬.૭૦ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ અને એમની ટીમને બાતમી મળી હતી કે શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર એપીએમસી સામે આવેલા ખૂલ્લા પાર્કિંગમાં આવેલી દુકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે જેના પગલે ડીસીબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઈ જે.જે.પટેલ ટીમના લક્ષ્મીકાંત, જયેન્દ્રસિંહ બંધ દુકાનના માલીકને બોલાવી શટર ખોલાવતાં અંદર ૯૫ પેટી વિદેશ દારૂ જેમાં ૭૫૦ મિ.લિ.ની ૭૪૪ દારૂની બોટલ અને ૧૫૮૪ કવાર્ટરિયા જુદીજુદી બ્રાન્ડના હતા એ જાેઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. દુકાન માલિકની પૂછપરછ કરતાં આ દુકાન વિનોદ ચુનીલાલ પુનિયા અને અલ્પેશ હરદાસમલ વાઘવાણીએ બહાનું કાઢી ધંધો કરવા ભાડે લીધી હોવાનું જણાવતાં આ દારૂનો જથ્થો બંનેનો હોવાથી એ મને ફરાર જાહેર કરાયા છે. જ્યારે દારૂના જથ્થા કરતાં એની કિંમતની ગણતરી કરતાં ૭૪૪ મોટી અને ૧૫૮૪ ક્વાર્ટરિયાંની કિંમત કુલ રૂા.૬,૭૯,૬૦૦ થઈ હતી. પોલીસે આ જથ્થો કબજે કરી વધુ તપાસ માટે કાગળો બાપોદ પોલીસને સુપરત કર્યા હતા.