વડોદરા-

મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝુ કોવિડ 19ની બીજી લહેરને પગલે માર્ચ 2021માં જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની બીજી લહેર નબળી પડતા મહાનગર પાલિકા હસ્તકના સયાજીબાગ ઝુ ને 25 જૂનથી સવારે 9 થી સાંજના 5 કલાક સુધી સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કરાયેલી જાહેરાતને પગલે સહેલાણીઓ સહિત મોર્નિંગ વોક કરવા જતા લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સયાજીબાગના ઝુ કયુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, ત્રણ મહિના બાદ સયાજીબાગ ઝુ ને સહેલાણીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કોવિડને લગતી તમામ તકેદારીના પગલાં લીધા છે. ખાસ કરીને સેનેટાઈઝેશનની કામગીરી નિયમિત કરવામાં આવે છે તેમજ વિવિધ જગ્યાઓ પર સેનેટાઈઝના પોઈન્ટ મુકવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેરને પગલે વડોદરા શહેરના પ્રસિદ્ધ સયાજીબાગ ઝુ ને બંધ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ કોરોનાના કેસ ઘટતા સયાજીબાગ ઝુને કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. ઝુ પરિસરમાં ચાલી રહેલી કામગીરીને કારણે પક્ષીઘરને ટૂંકા સમય માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે.