વડોદરા, તા.૯ 

વડોદરા જિલ્લામાં સહકારી યોજના ક્ષેત્રની સૌથી મોટી વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બરોડા ડેરીની આગામી તા.૨૮મીએ યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન પાદરાના ધારાસભ્ય સહિત ૭ ઉમેદવારોના ફોર્મ રદ થતાં આજે ૧૩ ઝોનની ૧૩ બેઠકો માટે હરિફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જાેકે, ચૂંટણી ચિત્ર તા.૧૭મીએ સ્પષ્ટ થશે.

બરોડા ડેરીની ચૂંટણી માટે ઝોન ૧૧ અને ઝોન ૧૨ની બેઠક પર ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી.બી. સોલંકી અને ડાયરેક્ટર રણજીત સિંહ રાઠવા બિન હરીફ જાહેર થયા હતા. જાેકે, ૨૮ ઉમેદવારી ફોર્મમાંથી ભાજપ-કોંગ્રેસના ૧૧ ઉમેદવારો સામે વાંધા અરજી રજૂ કરવામાં આવતા બે દિવસ સુનાવણી તેમજ ડેરી તરફથી અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. વાંધા અરજીઓમાં મોટાભાગે છેલ્લા પાંચ વર્ષમાં બે એજીએમમાં હાજર રહ્યા ન હોય, દૂધમાં ભેળસેળ, નિયત કરેલી દૂધ ભરવાની લાયકાત અને દિવસો વગેરેનો સમાવેશ થાય છે. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત ૭ ફોર્મ રદ થયા હતા. જ્યારે ૪૧ ફોર્મ માન્ય રાખીને હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ડેરીના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર મુખીએ જણાવ્યું હતું કે વર્તમાન ડેરીના ભાજપ સત્તાધિશોન બિન હરીફ થવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાદરાના ધારાસભ્યએ પાર્ટીના પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લઇશું તેમ જણાવ્યું હતું. અને ઇરાદાપૂર્વક ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

 આજે હરીફ ઉમેદવારોની યાદી જાહેર થતા હવે ૩૨ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જાેકે, ચૂંટણી ચિત્ર ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે એટલે તા.૧૭મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

આજે ધી. બરોડા સેન્ટ્રલ કો.બેન્કની ચાર બેઠકો માટે ચૂંટણી

વડોદરા જિલ્લાની સૌથી મોટી નાણાકિય વ્યવહારો સંભાળતી સંસ્થા દ્વારા ધી. બરોડા સેન્ટ્ર્‌લ કો.ઓપ.બેન્ક લિ.ના નિયામક મંડળની ૧૪ બેઠકો પૈકી ૧૦ બેઠકો બિન હરીફ જાહેર થતાં વર્તમાન ચેરમેન અતુલ પટેલની આગેવાની હેઠળ ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે. જાેકે, બાકી રહેલ ૪ ઝોન વાઘોડિયા, કરજણ, શિનોર અને સંખેડા બેઠકની ચૂંટણી આવતીકાલે હરણી રોડ જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે યોજાનાર છે. સવારે ૯થી બપોરે ૩ સુધી મતદાન અને તા. ૧૧મીએ સવારે ૯ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. બેઠક પર ૩ અને કરજણ, વાઘોડિયા અને સંખેડાની બેઠક પર બે-બે ઉમેદવારો મેદાનમા છે.