વડોદરા

વડોદરામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ભારતના સિનિયર સ્કોરર અને આંકડાશાસ્ત્રી તેમજ દેશભરના અનેક સ્કોરરના માર્ગદર્શક દિનાર ગુપ્તે સહિત ૨૩૫ લોકોનાં મોત થયાં છે. જાે કે, તંત્ર દ્વારા વધુ ૧૧ વ્યક્તિના મોત સાથે અત્યાર સુધી કોરોનાથી સત્તાવાર ૪૩૫ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જ્યારે વધુ ૯૪૭ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સાથે સાથે વડોદરામાં એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. જાે કે, આજે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૮૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કોરોનાનો કહેર સતત વધતાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે દર્દીઓ અને સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ભારતના સિનિયર સ્કોરર અને આંકડાશાસ્ત્રી તેમજ દેશભરના અનેક સ્કોરરના માર્ગદર્શક દિનાર ગુપ્તે સહિત ૨૩૫ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૧૮૧ સેમ્પલો પૈકી ૯૪૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯૧૯૦ થઈ છે, જે પૈકી ૫૮૭ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૩૬૬ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.

જ્યારે આજે સંપૂર્ણ સ્વસ્થ થતા વધુ ૮૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ ૩૯,૮૯૦ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા આજે ઘટીને ૯૭૧૯ થઈ છે. વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ આવેલા ૪૯,૫૧૫, દર્દીઓ પૈકી સૌથી વધુ ૧૬,૯૪૩ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના અને પૂર્વ ઝોનમાં ૭૧૩૦ , પશ્ચિમ ઝોનમાં ૮૩૦૮ , ઉત્તર ઝોનમાં ૮૭૫૪ અને દક્ષિણ ઝોનમાં ૮૩૪૪, જ્યારે શહેર અને રાજ્ય બહારના ૩૬ કેસ નોંધાયા છે.શહેરમાં ધન્વંતરિ રથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં તાવના ૫૧ અને શરદી, ખાંસીના ૧૭૨ દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર દવા આપવામાં આવી હતી. આમ, કોરોનાના કહેર વચ્ચે સતત પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને શહેરના તમામ સ્મશાનગૃહોમાં પણ અંતિમસંસ્કાર માટે મૃતકોના સ્વજનોને રાહ જાેવી પડી રહી છે.

એપ્રિલમાં ૪૫ થી ૬૦ વર્ષના દર્દીઓનો મૃત્યુદર ૭ ટકા વધ્યો

વડોદરા ઃ કોરોનાની સેકન્ડ વેવમાં પ્રથમ વેવ કરતા તદન ભીન્નતા દર્શાવે છે. બીજી વેવ દરમિયાન ઉચ્ચ જાેખમવાળા દર્દીઓની વ્યાખ્યા બદલાઈ છે. જેમાં વડોદરામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મૃત્યુ દર જાેતા માર્ચ મહિનામાં ૪૫થી ૬૦ વર્ષથી વયના લોકોનો મૃત્યુદર ૨૫ ટકા હતો. જે એપ્રિલ મહિનામાં ૭ ટકા વધારા સાથે ૩૨ ટકા થયો છે. જયારે ૩૦ વર્ષથી ઓછી ઉંમરવાળા દર્દીઓનો મૃત્યુદર માર્ચ મહિનામાં ૨૫ ટકા હતો. જે એપ્રિલ મહિનામાં ઘટીને ૧૫ ટકા થયો છે. જયારે ૩૦ થી ૪૫ વર્ષની વચ્ચેની ઉમરવાળા દર્દીઓનો મૃત્યુદર માર્ચ મહિનામાં ૬ ટકા હતો. તે એપ્રિલ મહિનામાં પણ તેટલો જ રહ્યો છે. ૬૦ થી ૭૫ વર્ષની વયના દર્દીઓનો મૃત્યુઆંક માર્ચ મહિનામાં ૪૩ ટકા હતો જે એપ્રિલ મહિનામાં ૪૫ ટકા થયો હતો.

ઝારખંડના દર્દીએ શહેરની આરોગ્ય સેવાઓને બિરદાવી

વડોદરા. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોનાની આઈસીયુમાં સારવાર લઈ રહેલા ઝારખંડના રવિકુમારે સારવાર અંગેનો સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલમાં કોવિડ આઈસીયુમાં ફરજ બજાવતા તબીબીસ્ટાફ સહિત તમામ કર્મચારીઓના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને સારવાર સુવિધાને બિરદાવી હતી. તેઓ ગુજરાતી ભાષા બોલતા કે જાણતા ન હોવા છતાં હિન્દી ભાષામાં તેમની સમસ્યા જણાવતા હતા. હાલ તેમની તબિયત સુધારા પર તેમજ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.