બનાસકાંઠા : પાલનપુર તેમજ વડગામ પંથકમાં છેલ્લા એક મહિનાથી બાઇકોની ઉઠાંતરી કરતા બાઇક ચોરને પાલનપુર પૂર્વ પોલીસે ચોરીના બાઇક સાથે પાલનપુરમાંથી ઝડપી પાડ્યો છે. વડગામ તાલુકાના પેપોળ ગામનો આ બાઇક ચોર પોતાના મોજ શોખ કરવા માટે મોલ શોપિંગના પાર્કિગ સહિતની જાહેર જગ્યાએ પાર્ક કરેલા જુના બાઇકોની ચોરી કરી આ બાઇક નજીવી કિંમતે વેચી મારતો હતો. પોલીસે સર્વેલન્સની મદદથી બાઇકચોરને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં દશથી વધુ બાઇકોની ચોરી થઈ હતી. જેમાં પૂર્વ પોલીસ મથકમાં પીઆઇ બી.કે.ચૌધરી, હેડ કોન્ટેબલ રણજીતસિંહ સોલંકી સહિતની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં પાલનપુરથી બાઇક ચોરી વડગામ તરફ જઈ રહેલા વડગામ તાલુકાના પેપોળ ગામના મહેશ વિરાસંગભાઈ ડેલ (પટેલ)ને પોલીસ ટીમે માધુપુરા નજીક ચોરીના બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછતાછમાં આ બાઇકચોર યુવકે પોતાનો મોજશોખ સંતોષવા માટે પાલનપુર તેમજ વડગામ પંથક માંથી ૧૧ બાઇક ની ચોરી કરીને આ બાઇક નજીવી કિંમતે વેચી માર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરીના ૧૧ બાઇક સાથે આ બાઇકચોરને ઝડપી પાડ્યો હતો.