વડોદરા

વડોદરા તાલુકાના અંકોડિયા ગામે રહેતા પટેલ પરિવારના મોભી બાઈક ઉપર બહારથી ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે અંકોડિયા-શેરખી નર્મદા કેનાલની પાળી પર બાઈક પાર્ક કરીને બેઠા હતા ત્યારે તેઓ ભેદી સંજાેગોમાં કેનાલમાં ગબડી પડતાં તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા અને લાપત્તા બન્યા છે. આ બનાવની જાણ ગામમાં પ્રસરી જતાં અંકોડિયા ગામના રહીશો દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર બ્રિગેડ અને તાલુકા પોલીસ મથકને કરવામાં આવતાં બંને વિભાગની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મૃતકની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના અંકોડિયા ગામે ઝીણાભાઈ ચતુરભાઈ પટેલ (ઉં.વ.આ.૫૬) એકલા રહેતા હતા, જ્યારે તેમનો પરિવાર ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલ છે. ઝીણાભાઈ પટેલ આજે સવારે બાઈક લઈને કામકાજ માટે ઘરની બહાર નીકળ્યા હતા. નમતી બપોરે તેઓ બાઈક પર પરત અંકોડિયા ગામ તરફ આવતા હતા તે દરમિયાન રસ્તામાં આવતી અંકોડિયા-શેરખી ગામ વચ્ચે નર્મદા કેનાલની પાળી ઉપર બાઈક પાર્ક કરીને આરામ કરવા માટે બેઠા હતા, એ વખતે તેઓ ભેદી કારણોસર નર્મદા કેનાલમાં ગબડી પડતાં પાણીના વહેણમાં તણાઈ ગયા હતા, અને હાલ તેઓ લાપત્તા છે. આ બનાવને નજરે જાેનાર કેટલીક વ્યક્તિઓએ બૂમાબૂમ કરી બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ બનાવની જાણ અંકોડિયા ગામના રહીશોને થતાં તેઓ નર્મદા કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને ઝીણાભાઈ પટેલની બાઈક અને ચપ્પલ પડેલા મળી આવ્યા હતા. જાે કે, આ બનાવની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસ મથકને કરવામાં આવતાં બંને વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં લાપત્તા બનેલાનો મૃતદેહ શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.