મહુધા : મહુધા શહેર અને તાલુકા ગુજરાત માલધારી સેના પંથકના ગૌચરો પરના દબાણો દૂર કરવા મહુધા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મહુધા પંથકના મોટા ભાગની ગૌચર જમીનો પર સ્થાનિકો દ્વારા કબજાે કરી ખેતી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, પરંતુ કેટલીક સ્થાનિક પંચાયતોના સત્તાધીશો દ્વારા ભૂમાફિયાઓ પાસે ગૌચર પેટે નાણાં પણ લેવામાં આવતાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગુજરાત માલધારી સેના દ્વારા તાલુકા મથકે મામલતદારને ગૌચરના દબાણો દૂર કરવા આવેદન પત્ર આપવામાં આવ્યાં હતાં. મહુધા ખાતે કલ્પેશ દેસાઇની આગેવાની હેઠળ મહુધા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તાલુકામાં ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા ખુબ મોટાંપ્રમાણમા દબાણો કરવામાં આવ્યાં છે. પશુપાલકોની હાલત કફોડી બની છે. સાથે સાથે ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં પણ વધારો થયો છે.