વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી શરૂ થઈને પિંગલવાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઈટ મેપિંગ, દબાણો સહિતનો સર્વે કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીના સર્વે, મેપિંગ અને એક્શન પ્લાન સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ટ્રીટ કર્યા વગર અનેક સ્થળે ડ્રેનેજનું સીધું પાણી છોડવામાં આવતાં પ્રદૂષિત અને મચ્છર ઉત્પત્તિનું કેન્દ્ર બનેલી શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પુનઃર્જિવિત કરવા અંગેનો કેસ ગ્રીન ટ્રીબ્યુનલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વમિત્રી નદી અને તેની આસપાસ જમીન ઉપર કેટલાક સ્થળે દબાણ કરીને બાંધકામો થઈ ગયા છે. તો કેટલીક જગ્યાએ કોર્પોરેશન દ્વારા જ વિશ્વામિત્રી નદીના પટમાં કચરો ઠાલવી નદીની આસપાસ પ્રદૂષણ ફેલાવી રહ્યાનું જણાવ્યું હતું.

ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ ગંદુ પાણી ઠાલવીને પ્રદૂષિત કરી રહી છે. તો નદીકાંઠાના કેટલાક વિસ્તોરોનું ડ્રેનેજનું પાણી પણ સીધું નદીમાં ઠલવાઈ રહ્યાનું જણાવાયું હતું. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કેસ ચાલી રહ્યો હતો. જેમાં હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગેરકાયદે બાંધકામ અને જે નદીના પટમાં કચરો નાખીને કોતરો બંધ કરાયા છે તેનો મેપિંગ કરવા આદેશ કર્યો છે, સાથે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં છોડવું તેવો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે એક્શનમાં આવેલા કોર્પોરેશન દ્વારા એનજીટીના ચુકાદા બાદ રિવર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ અભિયાનની શરૂઆત કરી કોર્પોરેશન દ્વારા રિવર રિજનરેશન પ્રોજેક્ટ અંતર્ગત ડીપીઆર માટેનું ટેન્ડર બહાર પાડયું છે, જે ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. આ ટેન્ડરમાં વિશ્વામિત્રી નદીની શરૂઆતથી અંત સુધીના વિસ્તારનું નિરીક્ષણ કરીને દબાણ પ્રદૂષણ મુદ્દે સર્વે, મેપિંગ અને એક્શન પ્લાન ઘડવામાં આવશે.