અરવલ્લી,શામળાજી,તા.૨૬ 

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે. નં.૮ ઉપર રહેલા ખાડાઓના પગલે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો હાઈવે પર પડેલા ખાડાઓથી અજાણ હોવાથી ખાડામાં વાહન ખાબકતા વાહનચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વારંવાર નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે .શામળાજી આરટીઓ ચેકપોસ્ટ નજીક બાઈક ખાડામાં ખાબકતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે ભટકાતા બાઈક પાછળ બેઠેલા શામળાજીના વેપારીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા રસ્તામાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજીના આશાસ્પદ વેપારીનું અકસ્માતમાં મોત નિપજતાં શામળાજી બજારના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભિલોડા તાલુકાના કારછા ગામના અને શામળાજી ખાતે દુકાન ધરાવતા અમિતભાઇ પ્રકાશભાઈ ભાટિયા તેમના મિત્ર અને ગામના જ વિનુભાઈ ભાટિયાની બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા વરસતા વરસાદમાં ને.હાઈવે નં-૮ પર શામળાજી આરટીઓ કચેરી નજીક પડેલ ખાડો બાઈક ચાલક વિનુભાઈ ભાટિયાને ન દેખાતા બાઈક ખાડામાં ખાબકતા બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતા બાઈક પાછળ બેઠેલા અમિતભાઇના માથાના ભાગે ગંભીર ઈજાઓ સારવાર મળે તે પહેલા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલક વિનુભાઈ ભાટિયાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાના પગલે વેપારી યુવકના પરિવારજનો અને સગા-સંબંધી દવાખાને દોડી આવ્યા હતા. વેપારીનું મોત નીપજ્યું હોવાની જાણ થતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. શામળાજીના વેપારીઓ અને લોકો પણ ઘટનાસ્થળે ઉમટ્યા હતા.