વડોદરા

શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી. ટીબી અને ડાયાબિટીસ સાથે કોરોનાના લક્ષણો ધરવાતા બોડેલી તાલુકાના કછાટા ગામના ૪૭ વર્ષીય દર્દીએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી સારવાર માટે દાખલ થયા બાદ આજે સવારે સારવાર-સુવિધાના આક્ષેપો સાથે હોસ્પિટલના દાખલ વોર્ડના ત્રીજા માળે આવેલ બારીમાંથી ભૂસકો મારી મોતને વહાલું કર્યું હતું. આ બનાવને હોસ્પિટલ કેમ્પસમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આપઘાતના બનાવને પગલે મચેલી ચકચારને કારણે પોલીસ અને દર્દીઓના સગાઓ દોડી આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના સંચાલકો દ્વારા આપઘાત કર્યાના પુરાવાનો નાશ કરવા માટે લોહીના પડેલા ડાઘા ઉપર પાણી છાંટી દેવામાં આવ્યું હતું. જાે કે, ગોત્રી પોલીસ દોડી આવ્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામમાં રતનભાઈ ભીમસિંહ તડવી (ઉં.વ.૪૭) પત્ની અને સંતાનો સાથે રહેતા હતા. તેઓ સંખેડા ખાતે જીઈબી કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ટીબી અને ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોવાથી તેમની તકલીફમાં વધારો થતાં તેમને સારવાર માટે બોડેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં તેમને શહેરની ખાનગી વૈભવી સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી રતનસિંહ તડવી સારવાર-સુવિધાથી કંટાળી ગયા હતા અને તેમના પરિવારજનોને ફોન ઉપર મને હોસ્પિટલમાંથી રજા અપાવી દો તેમ વારંવાર જણાવતા હતા. પરંતુ તબીબો રજા આપતા ન હતા. એટલું જ નહીં, હોસ્પિટલના સંચાલકો અને ફરજ પરનો સ્ટાફ-કર્મચારી દર્દીના સગાને મળવા દેતા પણ ન હતા. જેથી દર્દીના સગાઓમાં પણ એક પ્રકારનો રોષ જાેવા મળ્યો હતો. દર્દીના પત્નીએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, મારા પતિને મળવા માટે હું ત્રણ-ચારવાર હોસ્પિટલમાં આવી હતી, પરંતુ મળવા દેવા માટે ગલ્લાં-તલ્લાં કરતા હતા. ગત રાત્રે મારા પતિ-દર્દીને બાંધી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો અને સ્ટાફ-કર્મચારીઓ દર્દીને અને સગાંઓની મુલાકાત કરાવતા ન હતા. એ દરમિયાન આજે સવારે આઠ વાગ્યાની આસપાસ દર્દી રતનસિંહ તડવીએ દાખલ વોર્ડની બારીમાંથી ભૂસકો મારીને નીચે પટકાતાં તેમનું મોત થયું હતું. હોસ્પિટલમાં દર્દીના આપઘાતને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. હોસ્પિટલના સિકયુરિટી સ્ટાફ સહિત હોસ્પિટલના ઉચ્ચ સંચાલક-અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ તેમજ દર્દીના સગાઓને જણાવ્યા વગર જ ઘટનાસ્થળેથી હટાવી લોહીના ડાઘાઓ ઉપર પાણી રેડી પુરાવાઓનો નાશ કરવાના પ્રયાસો કર્યા હતા. જાે કે, આપઘાતના ચકચાર બનાવની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ અને દર્દીના પત્ની તેમજ સગાઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર-સુવિધાનો અભાવના આક્ષેપો કર્યા હતા. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.