વડોદરા, તા.૧૯ 

બીસીએની સ્થાપનાના ૮૪ વર્ષ બાદ બીસીએનું પોતાનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમનું સ્વપ્ન પૂરું થશે. વડોદરાથી ૨૧ કિ.મી. દૂર વાઘોડિયા તાલુકાના કોટંબી નજીક જાંબુડિયાપુરા ગામની સીમમાં ૪૩ એકર જમીનમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ આકાર લઈ રહ્યું છે. ગ્રાઉન્ડ તૈયાર છે ત્યારે આજે મોતીબાગ ક્રિકેટ ક્લબ અને અકોટા ક્રિકેટ ક્લબની ૨૦-૨૦ મેચ સાથે નવનિર્મિત ગ્રાઉન્ડ બીસીએના ચેરમેન પ્રણવ અમીન અને ભારતીય ટીમના પૂર્વ ખેલાડી કિરણ મોરેએ બીસીએના સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ખૂલ્લું મુકયું હતંુ. ૨૦૨૨ સુધીમાં સ્ટેડિયમનું કામ પૂર્ણ થશે અને ૨૦૨૩માં રમાનાર વર્લ્ડકપ પૂર્વે તમામ સુવિધાઓથી સજ્જ સ્ટેડિયમ તૈયાર થઈ જશે તેવી આશા બીસીએએ વ્યક્ત કરી છે.

બીસીસીઆઈની ૧૯૨૯માં સ્થાપના થઈ તેના ૯ વર્ષ બાદ બરોડા ક્રિકેટ એસોસિયેશનની સ્થાપના કરાઈ હતી. બાદમાં ગુજરાત ક્રિકેટ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું હતું. આ બંને એસોસિયેશનના પોતાના સ્ટેડિયમ બની ગયા છે પરંતુ માત્ર ચર્ચા અને વિવાદોના કારણે બીસીએનંુ સ્ટેડિયમ બની શક્યું નહોતું અને તેના જ કારણે પાછલાં કેટલાંક વરસોથી વડોદરાને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ મેચ મળી નથી. પરંતુ હવે બીસીએનું પોતાનું સ્ટેડિયમ બનવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. બીસીએ દ્વારા અત્યાર સુધી મેચિસનું આયોજન મોતબાગ કે રિલાયન્સ સ્ટેડિયમ ખાતે કરવું પડતું હતું, પરંતુ આગામી ૨૦૨૨ સુધીમાં કોટંબી ખાતે બીસીએનું પોતાનંુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ તૈયાર થઈ જશે.

આજે સ્થાનિક કક્ષાની ર૦-ર૦ મેચના પ્રારંભ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડને ખૂલ્લું મુકતાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધી આધુનિક સુવિધાઓ સાથે ૩૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમનું કામ પૂર્ણ થાય અને આગામી ૨૦૨૩માં રમાનાર ક્રિકેટ વર્લ્ડકપની મેચ વડોદરાને મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. આ ગ્રાઉન્ડ પર રપ પ્રકારની પીચ તૈયાર કરાઈ છે, જેથી આ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરનાર પ્લેયર દેશ અથવા વિદેશમાં કોઈપણ વિકેટ પર સારું પર્ફોર્મન્સ કરી શકશે. ગ્રાઉન્ડ પર વિકેટ વસંત પટેલ અને દશરથ પરદેશી દ્વારા કરવામાં આવી છે.

બીસીએના સેક્રેટરી અજિત લેલેએ જણાવ્યું હતું કે, કોટંબી ખાતે સ્ટેડિયમની જમીન માટે રૂા.રપ કરોડ અને અત્યાર સુધી ગ્રાઉન્ડ વિકેટ ફેન્સિંગ વગેરે માટે રૂા. પ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે અને બીસીસીઆઈની જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ વહેલી વહેલીતકે સ્ટેડિયમ ઊંચું કરવાની કામગીરી થશે. બીસીએની મીડિયા કમિટીના ચેરમેન સત્યજિતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે, સ્ટેડિયમની અંદર સામ-સામે બે ટાવર ઊભા કરવામાં આવશે. એક તરફ વીઆઈપી પેવેલિયન અને મીડિયા ટાવર ઊભા કરાશે અને તબક્કાવાર સ્ટેડિયમનની કામગીરી થશે. ભવિષ્યમાં બેડમિન્ટન, સ્વિમિંગ પુલ વગેરે બનાવાશે. ટી-૨૦ની ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં મોતીબાગ ક્રિકેટ ક્લબનો વિજય થયો હતો.