વડોદરા, તા.૮

વડોદરા શહેર સહિત અન્ય શહેરો રાજકોટ, સુરતમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સાથી સેવા ગ્રૂપ સંસ્થા સમાજના ઉત્કર્ષ-ઉત્થાન અને બિનવારસી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. વડોદરાના યંગ જનરેશન દ્વારા ચલાવવામાં આવતી સાથીસેવા સંસ્થાના કાર્યકર્તા દિવ્યા પાઠક અને તેમના સહકાર્યકર્તા જાકીર પંડયા બ્રિજ નીચેથી ચાલતા પસાર થતા હતા તે વખતે બ્રિજ નીચે લઘરવઘર અને પગમાં ઈજા પામેલ પડી રહેલા અજાણ્યો શખ્સ (ઉં.વ.આ.૩૦) પર નજર પડી હતી. આ બંને સેવાભાવી કાર્યકર્તા અજાણ્યા શખ્સ પાસે પહોંચ્યા હતા, જ્યાં લઘરવઘર હાલતમાં જમીન પર સૂતેલી હાલતમાં પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, તે સમયે અજાણ્યા શખ્સે બંને કાર્યકર્તાઓને અપશબ્દોનો મારો ચલાવી તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગુસ્સાના આવેશમાં તેને પોતાનું નામ માત્ર ઘનશ્યામ જણાવ્યું હતું, તે બાદ તે કશું પણ બોલતો ન હતો. તેમ છતાં સાથીસેવા સંસ્થાના કાર્યકર્તા દિવ્યા પાઠક અને ઝાકીરભાઈએ બિનવારસી શખ્સની વહારે આવ્યા હતા અને મદદ કરવાના નિર્ણય કરી તેને સંસ્થાના કાર્યકરોએ લઘરવઘરની હાલતમાંથી સ્નાન કરાવી સ્વચ્છ કરી તેની દાઢી અને માથાના વાળનો જથ્થો દૂર કરાવી પગની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં દિવ્યા પાઠક અને જાકીરભાઈએ લોકસત્તા-જનસત્તાને જણાવ્યું હતું કે, આ ભાઈ બિનવારસી હાલતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પંડયા બ્રિજ પાસે પગની તકલીફના કારણે પડી રહ્યો હતો અને આવતાં-જતાં લોકો જે કાંઈ આપે તે ખાઈને જીવન જીવતો હતો.અમે આ અજાણ્યા શખ્સની નિઃસ્વાર્થ મદદ કરી રહ્યા છીએ અને તેના પગની સારવાર કરાવવા માટે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. હવે તેના પરિવારની જાણકારી મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ અને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.