વડોદરા, તા.૨૧  

વડોદરા મહાનગર પાલિકામાં શહેરની હદને અડીને આવેલા સાત ગામોને સમાવવાનું નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૨૪ તારીખ સુધી યથાવત સ્થિતિ જાળવવાનો સ્ટે આપ્યો હોવા છતાં સાત ગામોને વડોદરા મહાનગર પાલિકામાં સમાવવા માટેનો નિર્ણય લેવામાં આવતા એના ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા છે.જેના ભાગરૂપે રવિવારે સેવાસી ખાતે ઉગ્ર દેખાવો યોજીને વેપાર ઉદ્યોગ સજ્જડ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં એકત્ર થયેલા ગ્રામ પંચાયતોના નાગરિકોએ જો તેઓની માગણી સંતોષવામાં આવશે નહિ.તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.એકાએક ભભૂકી ઉઠેલા ગ્રામજનોના વિરોધ અને આક્રોશને લઈને વડોદરા પાલિકાની વિશ્વસનીયતા પર સવાલો ઉઠ્‌યાં છે.શહેરના આઉટ ગ્રોથ વિસ્તારો પૈકી બીલ, ભાયલી, સેવાસી, ઉંડેરા, કરોડિયા, વેમાલી અને વડદલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો રવિવારેસેવાસી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધમાં વિવિધ ગામોના સરપંચો,અગ્રણીઓ,નાના મોટા વેપારીઓ સહીત મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયા હતા.તેમજ આ ગામોના વડોદરા શહેરમાં સમાવેશ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.