નડિયાદ : ગુજરાત ભરમાં દિવાળી પછી કોરોના મહામારી માં વધારો થઈ રહ્યો હોવાનું ખુદ રાજ્ય સરકાર માની રહી છે.કોરોના ને અટકાવવા કરફ્યુ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ વિભાગ જાણે કે પ્રાથમિક શિક્ષકો કોરોના પ્રૂફ હોય તેમ વધઘટ બદલી કેમ્પ ની ઉતાવળમાં પડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.આગામી ૨૪ તારીખે અરવલ્લી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં બદલી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના તાલુકાઓમાં વધ ઘટના બદલી કેમ્પમાં મોટી સંખ્યામાં શિક્ષકોને એક સ્થળે હાજર થવાની હાલત હોવા છતાં અધિકારીઓ કેમ્પ કરવામાં મશગૂલ બની ને શિક્ષકોના આરોગ્ય ને જોખમમાં મૂકી રહ્યા હોવાની બૂમરાણ ઉઠી રહી છે.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ હાલ પુરતા બદલી કેમ્પ મોકૂફ રાખવાની સાથે વિવિધ સૂચનો સાથે ની માગણી કરી હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ નાં મહેકમ મુજબ વધ પડતા શિક્ષકોને અન્ય જગ્યા ધરાવતી શાળામાં બદલી કરવાની તજવીજ હાથ ધરેલ છે. કેટલાય શિક્ષકો ને અન્ય તાલુકામાં જવાનો વારો આવે તેવી હાલત ને કારણે બદલીના નિયમો સામે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. પહેલા ૧ થી ૫ માં વધ પડતા શિક્ષકો ને ખાલી રહેતી દૂર ના તાલુકાની જગ્યાઓમાં બદલી કરી દઈને બાકી રહેલા શિક્ષકોને ધોરણ ૬ થી ૮ નાં મહેકમ માં સમાવી લેવાની વાતોથી અન્યાય થતો હોવાની લાગણી શિક્ષકો માં જોવા મળી રહી છે કારણકે આવા શિક્ષકો અત્યારે ૬ થી ૮ નાં મહેકમ મુજબ કામગીરી કરી જ રહ્યા છે. ત્યારે નવા નિયમો ને ધ્યાને લઇ ને શિક્ષકો ને અન્ય તાલુકામાં જવું પડે તેવા આયોજનો થી રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વધઘટ બદલી કેમ્પ હાલ પૂરતા મોકૂફ રાખવાની સાથે સાથે શિક્ષકોને અન્યાય ના થાય તેવી માગણી કરવામાં આવી રહી છે.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયેલ સૂચનો

૧. કોવિડ ૧૯ ની મહામારી ને કારણે હાલ પૂરતા બદલી કેમ્પ સ્થગિત રાખવામાં આવે

૨.તારીખ ૩૧/૮/૨૦ ને બદલે ૩૧/૧૦/૨૦ ની સ્થિતિએ ખાલી જગ્યાઓ મુજબ કેમ્પમાં જગ્યાઓ બતાવવામાં આવે.

૩.તાલુકામાં વધ હોય ને મૂળ શાળામાં જગ્યા હોય તો મૂળ શાળાનો લાભ આપવો

૪.તાલુકા બહારના ને મૂળ શાળાનો પહેલા લાભ આપવો.

૫.ધોરણ ૧ થી ૭ ની શાળામાં ૬ થી ૭ માં ૨૦ સંખ્યા હોય તો શાળા મર્જ કરવાનો નિર્ણય રદ્દ કરવો.

૬.આર ટી ઈ એક્ટ મુજબ ધોરણ ૧ થી ૫ માં ૧ કિલોમીટર અને ધોરણ ૬ થી ૮ માં ૩ કિમી ના અંતરમાં નાં હોય તો શાળા મર્જ કરવામાં ના આવે

૭. ધોરણ ૧ થી ૫ નાં શિક્ષકોને વિકલ્પના કેમ્પ નું આયોજન કરવું.

૮.ધોરણ ૧ થી ૭ ની શાળામાં ૬ અને ૭ માં ધોરણ ૧ થી ૫ નાં શિક્ષકોને સમાવવામાં આવે.

શાળાઓ બંધ રાખી ને માસ પ્રમોશન આપવાનું વિચારતી સરકાર ને શિક્ષકોના બદલી કેમ્પમાં આટલો રસ કેમ ?

ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના વધઘટ ના બદલી કેમ્પ આગામી તા.૨૩ થી ૩૦ સુધીમાં કરી દેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે કોરોના મહામારી ને કારણે સરકાર શાળાઓ બંધ રાખવાના નિર્ણયને ની સાથે સાથે ધોરણ ૧ થી ૮ નાં બાળકોને માસ પ્રમોશન આપવાનું વિચારો રહી છે.ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા બદલી સુધારા હેઠળ તાબડતોબ બદલી કેમ્પ કરવાની સૂચના આપવામાં આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કોરોના મહામારીમાં શિક્ષકોને એક જ સ્થળે એકઠા કરીને સંક્રમણ ફેલાય તેવી બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે. શાળાઓ બંધ છે ત્યારે બદલીઓ કરી દેવાની ઉતાવળ દાખવી ને નિયામક શું સાબિત કરવા માગે છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.