વડોદરા : શહેરમાં દર વરસે દેવદિવાળીએ ભગવાન નરસિંહજીનો વરઘોડો વાજતે-ગાજતે નીકળે છે. છેલ્લાં ૨૮૩ વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે. પરંતુ આ વરસે કોરોના મહામારીને કારણે સરકારી કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વરઘોડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાે કે, મંદિર પરિવાર દ્વારા પ્રણાલિકા મુજબ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવશે તેમ મંદિર પરિવારે જણાવ્યું હતું. 

વડોદરામાં દેવદિવાળી પર્વે નીકળતા ભગવાન નરસિંહજીના વરઘોડાનું મહત્ત્વ અમદાવાદની રથયાત્રા જેટલું જ છે. ૨૮૩ વર્ષથી બેન્ડવાજા, ભજનમંડળીઓ સાથે નીકળતો ભગવાન નરસિંહજીના વરઘોડામાં ચાર દરવાજા વિસ્તારમાં અનોખો માહોલ હોય છે અને ભક્તિભાવપૂર્વક હજારો શ્રદ્ધાળુઓ વરઘોડામાં ઉમટે છે. ઠેર ઠેર ભગવાનનું પુષ્પવર્ષા તેમજ આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દેવદિવાળી પર્વે નીકળતાં વરઘોડાની આગલી રાત્રે ચાર દરવાજા વિસ્તાર આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠે છે તેમજ ભજન-ડાયરાના કાર્યક્રમો યોજાય છે. વરઘોડો માંડવી, ગેંડીગેટ, ફતેપુરા, મંગલેશ્વર ઝાંપા થઈને મોડી રાત્રે તુલસીવાડી ખાતે તુલસીજીના મંદિરે પહોંચે છે. પરંતુ આ વરસે કોરોના મહામારીના કારણે મંદિર પરિવાર દ્વારા સરકારની કોવિડની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને ભગવાન નરસિંહજીનો વરઘોડો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મંદિર પરિવાર દ્વારા ભક્તોએ મંદિરમાં આવીને દર્શન કે ચાંદલાનો આગ્રહ ન રાખવા તેમજ સવારે થતાં ચાંદલા અને દર્શન સદંતર બંધ રહેશે. આ ઉપરાંત ભોગ, પ્રસાદ, માળાજી, પાનબીડા આ વર્ષે પૂરતા પધરાવવા આગ્રહ ન રાખવા અપીલ કરાઈ છે.

જે વૈષ્ણવો સેવા પધરાવવા ઈચ્છતા હોય તેઓ મંદિરે સેવા પધરાવી શકે છે. આવતીકાલે કારતક સુદ-૧૪ (ચૌદસ)નો મેળો તેમજ મંડળીઓ બંધ રાખવામાં આવી છે. જાે કે, પ્રણાલિકા મુજબ મંદિર પરિવાર દ્વારા મંદિર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ફકત ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવશે તેમ મંદિર પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વરસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પણ કોરોનાને કારણે જાહેર માર્ગના બદલે મંદિર પરિસરમાં જ કાઢવામાં આવ્યો હતો.