અમદાવાદ-

લોકડાઉન સમયમાં દરેક ધંધા નોકરીમાં પ્રજાને આર્થિક ફટકો પડ્યો હતો. આ સમયમાં નાના શ્રમિકોથી લઈ મોટા વેપારીઓ સહિત બધા જ લોકોને કોઈપણ કામ ન કરવાથી આર્થિક તંગીનો ભોગ બનવું પડ્યું હતું. લોકડાઉન વખતે જાગૃત રિક્ષાચાલક યુનિયન અમદાવાદ દ્વારા રીક્ષા ચાલકોની પરિસ્થિતિ ખરાબ રહેતા સરકાર પાસે આર્થિક વળતરની માંગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા તેમને સાંભળવામાં આવ્યા ન હતા. આ કારણથી રીક્ષા ચાલક યુનિયન દ્વારા રાજ્ય સરકાર સામે કન્ટેનમેન્ટ પિટિશન અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સરકારને રિક્ષાચાલકોને વળતર અંગે નિર્ણય લેવા આદેશ કર્યો હતો. લોકડાઉનના આટલા સમય બાદ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય ના લેવાથી રીક્ષા ચાલક યુનિયન દ્વારા હાઇકોર્ટના આદેશનું પાલન ન થવાથી તેઓએ દાદ માંગી હતી.

આ અંગે જાગૃત રીક્ષા ચાલક યુનિયન અમદાવાદના પ્રમુખ રાજવીર ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર વારંવાર નિયમોમાં બદલાવ કરે છે, હાલમાં પણ દરેક રિક્ષાવાળા જે રોજ કમાઈને ખાય છે. આવા લોકોની સ્થિતિ કફોડી બની છે. રાત્રી કરફ્યુને કારણે જે રિક્ષાઓ ફક્ત રાત્રે જ ચાલતી હતી, તે પણ હવે દિવસે ચાલે છે. હાલ સ્કૂલો પણ બંધ હોવાથી જે રિક્ષાઓ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચાલતી હતી. તેઓ પણ હવે પ્રાઇવેટ પેસેન્જરો શોધે છે. જેના કારણે રિક્ષાચાલકો પરેશાન છે અને ફક્ત 2 પેસેન્જરો બેસાડવાના કાયદાના કારણે પણ તકલીફ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાના ડરના કારણે લોકો અત્યારે પોતાના પ્રાઇવેટ વાહનમાં બહાર જવાનું વધારે પસંદ કરે છે.