રાજકોટ-

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો જામી રહ્યો છે તેવા સમયે જ ધરતીકંપના શ્રેણીબધ્ધ આંચકા શરૂ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે સવારથી સાંજ સુધીમાં તાલાલામાં આઠ મોરબીમાં બે તથા ઉનામાં એક મળી કુલ 14 આંચકા અનુભવાયા હતા. તાલાલા ગીરથી 12 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટ નોર્થ દિશામાં મોરૂકાગીર વિસ્તારમાં એ.પી. સેન્ટર ધરાવતા 8 આંચકા નોંધાયા હતા. જેમાં વહેલી સવારે 1.12 કલાકે 3.2ની તિવ્રતાનો આંચકો આવતા લોકોનૅ ધરતી ધ્રુજવાનો અનુભવ થયો હતો. આસપાસના 15 થી 20 ગામમાં આ આંચકાનો અનુભવ થયો હતો. આ સિવાય વહેલી સવારે 4 વાગ્યે 1.3નો, 5.52 કલાકે 2.00ની તિવ્રતાનો સવારે 11.14 કલાકે ફરી 3.00ની તિવ્રતાનો બપોરે 2.37 કલાકે 1.6નો, સાંજે 5.21 કલાકે 2.3નો સાંજે 6.44 કલાકે 2.00નો અને સાંજે 7.06 કલાકે 1.3ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જયારે મોરબીમાં વહેલી સવારે 6.57 કલાકે 1.9નો અને સાંજે 4.58 કલાકે 1.6ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. મોરબીના આ બન્ને આંચકાનું ઉદગમ સ્થાન મોરબીથી 24 કિલોમીટર દુર નોંધાયું હતું. આ ઉપરાંત દરિયાકાંઠે આવેલા ઉના પંથકમાં આજે બપોરે 2.04 કલાકે 102ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબીંદુ ઉનાથી 15 કિલોમીટર દુર નોંધાયું હતું.