લગ્ન એ જીવનના સોળ સંસ્કાર પૈકીનો અનોખો અને જીવન બદલનારો સંસ્કાર ગણાય છે. પાદરાની અંકિતા ગાંધીના આજે લગ્ન યોજાયાં હતાં. તેણીની પીઠી ચોળવાની વિધિ રાખવામાં આવી હતી. ઘરઆંગણે મંગળગાન શરૂ થઈ ગયું હતું. તેની સાથે આજે પાદરા નગરપાલિકા માટે મતદાન હતું અને અંકિતા એક મતદાર હતી. તેણીએ પ્રભુતામાં પગલાં પાડતાં પહેલાં લોકશાહીની પ્રભુતાને સાચવવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નવિધિ પહેલાં લોકશાહીના પાયાના સંસ્કાર સમાન મતદાન કરવાનો ર્નિણય લીધો હતો. વડીલોએ પણ તેણેના આ ર્નિણયને અનુમોદન આપ્યું હતું. તેઓ પણ તેણીની સાથે જાેડાયા અને મતદાન મથકે આવ્યા હતા. લગ્નની મોસમમાં મતદાન ભૂલાય નહિ એની કાળજી લીધી હતી, જેથી અંકિતા અને વડીલોએ સાથે મતદાન કર્યું હતું. અંકિતાએ જણાવ્યું કે મતદાન ખૂબ અગત્યનો અધિકાર છે. એટલે પીઠી પહેલાં મતદાન કરવાની ફરજ પૂરી કરી છે. મતદાન એ દરેક નાગરિકની ફરજ છે, જે કોઈએ ચૂકવી ન જાેઈએ.