વડોદરા : પવિત્રતિર્થ સ્થાન ચાંદોદમાં વડોદરાના એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ યુવાન પોતાના લગ્ન થતા ન હોવાથી પવિત્ર તિર્થ સ્થાન ચાંદોદ નર્મદા કિનારે લગ્નની વિધી કરવા માટે આવ્યો હતો. વિધી પૂરી થયા બાદ પિંડ પધરાવવા માટે ખાતે નદીમાં ઉતરતા નદીના ધસમસતા પાણીમાં તણાઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી ગયા હતા. યુવાન લાપતા થયાના ૨૨ કલાક બાદ શોધખોળના અંતે આજરોજ તેનો મૃતદેહ ચંડિકા ઘાટ નજીકના કિનારેથી મળી આવ્યો હતો. 

વડોદરાના વાસણા રોડ ઉપર આવેલ પાર્થ સોસાયટીમાં રહેતો પાર્થ અવિનાશ શાહ (ઉં.વ.૩૨) છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ફાર્મા કંપનીના માર્કેટીંગ વિભાગમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો. પાર્થના લગ્ન થતાં ન હોવાથી શુક્રવારે ચાંદોદ નર્મદા કિનારે લગ્ન વહેલા થઇ જાય તે માટેની વિધી કરાવવા માટે ગયો હતો. તેની સાથે તેના પિતા અવિનાશભાઇ અને માતા જયશ્રીબહેન પણ ગયા હતા. લગ્નની વિધી પૂરી થયા બાદ પિંડ પધરાવવા માટે નર્મદા કિનારે આવેલા ચંડિકા ઘાટ પાસે પાણીમાં ઉતર્યો હતો. નર્મદા નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાર્થ પાણીમાં ઉતરતાની સાથે જ ધસમસતા પાણીમાં ઘરક થઇ ગયો હતો.

પાણીમાં ડૂબી રહેલા પાર્થે બચવા માટે બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, કોઇ મદદ મળી ન હતી. અને જોતજોતામાં તે વહેતા પાણીમાં અદ્રશ્ય થઇ ગયો હતો. નર્મદા નદીના ધસમસતા પાણીમાં તણાઇ ગયેલા યુવાનને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, મળી આવ્યો ન હતો. દરમિયાન આજે ચાંદોદ પોલીસ દ્વારા વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા લાશ્કરો રબર બોટ સાથે ચાંદોદ પહોંચી ગયા હતા અને નર્મદા નદીમાં લાપતા થયેલા પાર્થ શાહની લાશને શોધી કાઢી પોલીસને સોંપી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોને પાર્થ જે સ્થળે પાણીમાં પિંડ પધરાવવા માટે ઉતર્યો હતો. તેજ સ્થળેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

ચાંદોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ બનાવની તપાસ ચાંદોદ પોલીસ મથકના શંકરભાઇ કરી રહ્યા છે. પોલીસ જવાન શંકરભાઇએ જણાવ્યું હતું કે, શુક્રવારે નર્મદા નદીમાં ડૂબી ગયેલા પાર્થનો મૃતદેહ ૨૨ કલાક બાદ તે જે સ્થળે પાણીમાં ઉતર્યો હતો તે જ સ્થળેથી ફાયર બ્રિગેડને મળી આવ્યો હતો.