વડોદરા, તા.૭

વડોદરા શહેરમાં રસ્તે રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે રોજબરોજ રસ્તે રખડતાં ઢોરોને લીધે થતા અકસ્માતોના બનાવમાં શહેરના પાણીગેટ વિસ્તારમાં આજે વધુ એક બનાવ બનવા પામ્યો હતો. આ બનાવમાં એક્ટિવા પર પસાર થઈ રહેલા વૃદ્ધને રસ્તે રખડતી ગાયે અડફેટમાં લેતાં એક્ટિવાચાલક વૃદ્ધ રોડ પર પટકાતાં પાછળથી પૂરઝડપે આવી રહેલ કામ તેમની ઉપર ચઢી જતાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરાતાં તેઓ બનાવસ્થળે દોડી આવ્યા હતા.વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌપાલકો તેમની ગાયો શહેરના રાજમાર્ગો પર છૂટી મૂકી દેતા હોય છે. રસ્તે રખડતી ગાયોના ત્રાસથી નિર્દોષ શહેરીજનો ભોગ બને છે. એટલું જ નહીં શહેરમાં રસ્તે રખડતી ગાયોનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. રસ્તાઓ પર રખડતી ગાયો મામલે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયાને આ ત્રાસ દૂર કરવા જાહેર મંચ પરથી ટકોર કરી હતી. તે બાદ પ્રારંભે શૂરા એવા પાલિકાના ઢોરપાર્ટી વિભાગ દ્વારા જે તે સમયે રસ્તે રખડતી ગાયોને પકડવાનું અભિયાન ચલાવ્યું હતું. ત્યાર બાદ સમય જતાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી છે.

જાે કે, આ મામલે પાલિકાના સત્તાધીશો ગાયો પકડવાની કામગીરી ચાલુ હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. તેવા જ સમયે શહેરના કિશનવાડી માળી મહોલ્લામાં રહેતા વિઠ્ઠલભાઈ શનાભાઈ માળી (ઉં.વ.૬પ) અલકાપુરી ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા. તેઓ રોજ બપોરના સમયે એક્ટિવા લઈને જમવા માટે ઘરે આવતા હતા. આજે તેઓ ઘરે જમીને બપોરના સમયે એક્ટિવા પર નોકરી પર જતા હતા તે સમયે પાણીગેટ નવા પોલીસ મથક પાસે પાણીની ટાંકી નજીક રસ્તે રખડતી ગાય અચાનક રોડ પર દોડતી આવી હતી જે સીધી વિઠ્ઠલભાઈ માળી માળીની એક્ટિવા સાથે અથડાઈ હતી, જેથી તેઓ ચાલુ એક્ટિવા પરથી રોડ પટકાયા હતા, તે જ સમયે આ રોડ પરથી પૂરઝડપે પાછળથી આવી રહેલ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર વૃદ્ધ વિઠ્ઠલભાઈ માળી પર ચઢી ગઈ હતી. આ બનાવમાં તેમને ગંભીર ઈજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.