આણંદ: ચરોતરનું રાજકીય એપી સેન્ટર ગણાતાં બોરસદની પાલિકામાં સત્તાના સોગઠાં ગોઠવવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. ગત વખતે અપક્ષોના સથવારે સત્તા મેળવનારી કોંગ્રેસ દ્વારા આ વખતે પૂરેપુરી તાકાત સાથે સત્તા હસ્તગત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સામે ભાજપે આ વખતે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે.

બોરસદ પાલિકામાં ૯ વોર્ડમાં અંદાજે ૬૭૦૦થી ૭૨૦૦ જેટલાં મતદારો નોંધાયેલા છે. કુલ ૩૬ બેઠકો માટે ભાજપમાંથી આ વખતે ૧૮૦ મુરતીયાઓએ ટિકિટ માગી છે. ભાજપ દ્વારા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે સમગ્ર મામલો જિલ્લા સંકલન સમિતિ પાસે પહોંચ્યો છે. ત્યાં દાવેદારોની સ્ક્રૂટીની કર્યા પછી પેનલો તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. ત્યાંથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, બોરસદના મુસ્લિમ સમર્થિત વોર્ડ નંબર ૭ અને ૮માં ઉમેદવારોને લઈને શોધ ચાલી રહી છે. અહીં ઉમેદવારો ઊતારવા કે કેમ તેને લઈને પણ ચર્ચાઓનો શરૂ થઈ છે. બીજી તરફ ભાજપ સમર્થિત વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, અને ૬માં અનેક દાવેદારો મેદાનમાં છે. ભાજપમાં પડેલાં બે ગ્રૂપને લઈને કોને ટિકિટ આપવામાં આવે છે, તેનાં પર બધો મદાર રહેલો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી સોમવાર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોની પેનલ તૈયાર કરી લેવામાં આવશે, તેમ સૂત્રોનું કહેવું છે. જાેકે, જે રીતે બોરસદનું રાજકારણ રમાઈ રહ્યું છે તે જાેતાં ભાજપની આંતરિક ટાંટીયાખેંચને કારણે કોંગ્રેસને તેનો ફાયદો થશે, એવું અત્યારે લાગી રહ્યું છે.

ગત વખતે અપક્ષોના સથવારે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા બાદ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં વ્હાલાંદવલાની નીતિની વ્યાપક ફરિયાદો ઊઠી છ, જેનો ભાજપને કેટલો ફાયદો થાય છે, તેનાં પર નજરો મંડાયેલી છે. ગત ટર્મની જેમ આ વખતે પણ પાલિકામાં અપક્ષોનો દબદબો રહે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળવાની સ્થિતિમાં નારાજ દાવેદારો અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી પૂરેપુરી શક્યતા જાેવાઈ રહી છે, જેને લઈને આ વખતે પણ બોરસદ પાલિકામાં ત્રિપાંખીયો જંગ મંડાશે, તે નક્કી છે.