વડોદરા : આઈપીએલ ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમતાં કુખ્યાત ગેંમ્બ્લર કિરણ જીંગર સહિત બે ખેલીઓને પીસીબીએ દરોડો પાડીને રોકડ રકમ સહિત કુલ રૂા.૧૦ લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક મહિના ઉપરાંતના સમયથી પીસીબીની ટીમ રોજેરોજ ક્રિકેટના સટ્ટા ઉપર દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડે છે પરંતુ ખાસ કારણોસર એના મૂળ સુધી પહોંચી મોટા માથાઓને પકડવામાં અસફળ રહેતી હોવાનું કહેવાય છે. 

બિલ-ચાપડ રોડ પર હાલમાં રમાતી આઈપીએલ ક્રિકેટમાં ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હતી. જેમાં એક ક્રેટા કાર નં. જીજે૦૬ કેડી ૮૧૧૮ સફેદ કલરની કારમાં ત્રણ ઈસમો સટ્ટો રમી આઈપીએલ ક્રિકેટ મેચનો હાર-જીતનો સટ્ટો કિંગ ઈલેવન પંજાબ તેમજ સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચ ઉપર ઓનલાઈન આઈડી ઉપર સટ્ટો રમી રહ્યા છે. જેના આધારે પીસીબીની ટીમે બિલ ગામથી ચાપડ જવાના રસ્તા ઉપર આવેલા ટર્ન્િંાગ પાસે ઊભેલી કારને ઘેરી લઈને બે ઈસમોને ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા ઈસમોમાં અગાઉ અનેકવાર ઝડપાયેલા કિરણ પ્રવીણભાઈ જિંગર (રહે. સી/૪૦૪, રીતુપલ ટાવર, કલ્યાણબાગ સામે, માંજલપુર) અને નીતિન કિશનભાઈ ઝા (રહે. ડી/૩૧, કબીર સોસાયટીની ગલી, માંજલપુર)નો સમાવેશ થાય છે. જ્યારે વ્યાસકાકા નામના ઈસમને ફરાર જાહેર કર્યો છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૬૨ હજાર, ત્રણ મોબાઈલ ફોન, ક્રેટા કાર મળી કુલ રૂા.૧૦ લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ કબજે કર્યો છે.