અજય વાટેકર,તા.૮

બે માસ અગાઉ હાઈવે પર ટ્રકચાલકની હત્યા કરી તેની લાશને ટ્રકની કેબિનમાં ત્યજી દેવાના બનાવમાં વાડી પોલીસમાં જાતે હાજર થયેલા આરોપી યુવકને વાડી પોલીસે અગમ્ય કારણોસર છેલ્લા એક અઠવાડિયાથી વાડી પોલીસ મથકમાં ગોંધી રાખી કોર્ટની અવમાનના સાથે માનવ અધિકારનો પણ ભંગ કર્યો છે. જાેકે ઉત્તરપ્રદેશના આ ગરીબ યુવક પાસે કોઈ રાજકિય વગ કે કોર્ટમાં મદદ માંગવા માટે વકીલ રોકવાની ત્રેવડ ન હોઈ યુવક તેને ક્યારે કોર્ટ સમક્ષ રજુ કરશે તેની રાહ જાેઈને દિવસભર વાડી પોલીસ મથકમાં પીએસઓની ઓફિસમાં અદબ વાળીને બેસી રહ્યો છે.

ઉત્તરપ્રદેશના અમેઠી સ્થિત સિક્કા પુરબા ગામનો વતની તૈાફીક રાયણી તેની પોતાની ટ્રકમાં હરિયાણાથી માલ ભરીને વડોદરાના તાંદલજા ખાતે શાહેરી પ્લાયસેન્ટરમાં ડિલીવરી આપવા માટે પોતાના ગામમાં રહેતા કંડકટર ફુરકાન ઈન્દ્રરાજ સાથે ગત ૪થી ડિસેમ્બરે વડોદરા આવ્યો હતો. માલ ખાલી કર્યા બાદ હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે તૈાફીકની ટ્રક બિનવારસી હાલતમાં તેમજ ડ્રાઈવર કેબિનમાં તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. તૈાફીકને તેના કંડકટર ફુરકાન સાથે નાણાંની લેવડદેવડમાં તકરાર થતાં ફુરકાન તેમજ તેના ગામમાં રહેતા મોહંમદનસીમ યારમોહંમદે ભેગા મળીને તૈાફીકની હત્યા કરી હોવાની પરિવારજનોની કેફિયતના પગલે વાડી પોલીસે આ બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ બનાવમાં મુખ્ય આરોપી ફુરકાન ઝડપાતાં તેને જેલભેગો કરાયો છે. આ બનાવમાં અન્ય આરોપી મોહંમદનસીમ યારમોહંમદને વાડી પોલીસે અત્રે આવવા માટે જાણ કરતા તે અઠવાડિયા અગાઉ વાડી પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને તે દિવસથી વાડી પોલીસે તેની અટકાયત કે ધરપકડ નહી કરી માત્ર તપાસના બહાને અઠવાડિયાથી પોલીસ મથકમાં બેસાડી રાખ્યો છે. આ રીતે સતત એક અઠવાડિયા સુધી પોલીસે બેસાડી રાખતા આરોપી મોહંમદનસીમને પોલીસ કાર્યવાહીથી ભારે અચરજ થયું છે. જાેકે ગરીબ પરિવારના મોહમંદનસીમ પાસે કોઈ રાજકિય વગ કે આ રીતે ગેરકાયદે ગોંધી રાખવા બદલ કોર્ટમાં દાદ માંગવા માટે વકીલ રોકવાની ત્રેવડ નથી જેથી તે ચુપચાપ પોલીસ મથકમાં બેસી રહ્યો છે અને તેને ક્યારે કોર્ટ સમક્ષ રજુ કરાશે તેની કાગડોળે રાહ જાેઈ રહ્યો છે. જાેકે વાડી પોલીસની આવી કાર્યવાહીથી સરેઆમ માનવઅધિકારોનો ભંગ થતો હોઈ આ અંગે પણ આગામી દિવસોમાં વાડી પોલીસ સામે કાર્યવાહી થાય તેવા સંજાેગો ઉભા થયા છે.

આ રીતે અટકાયતમાં રાખવા બદલ ઈપીકો ૩૪૧ મુજબ ફરિયાદ થઈ શકે

મોહંમદનસીમને એક અઠવાડિયાથી પરોક્ષ રીતે ગોંધી રાખવાના બનાવ અંગે જાણીતા ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે કોઈ પણ આરોપીને આ રીતે અટકાયતમાં રાખી શકાય નહી અને જાે પોલીસ અધિકારી તેને આ રીતે ગેરકાયદે અટકાયતમાં રાખે તો જે તે જવાબદાર પોલીસ અધિકારી સામે ઈપીકો ૩૪૧ મુજબ પણ કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત આરોપીની ધરપકડ નથી કરી તો તેને રાત્રે ગેરકાયદે લોકઅપમાં મુકાય છે પછી બહાર બેસાડી રખાય છે તે પણ પોલીસ અધિકારીઓ માટે તપાસનો વિષય છે.

પીઆઈનો વાહિયાત બચાવ..આરોપીના સગા આવતા નથી

મોહમંદનસીમને એક અઠવાડિયાથી પોલીસ મથકમાં બેસાડી રાખવાના બનાવ અંગે વાડી પોલીસ મથકના પીઆઈ એસ.એચ. રાઠવાએ ચાર દિવસ પહેલા ‘લોકસત્તા-જનસત્તા’ને જણાવ્યું હતું કે આરોપીનો આરટીપીસીઆર ટેસ્ટ થાય તે પછી ધરપકડ કરાશે. શું વાડી પોલીસ પાસે આરોપીના વિરુધ્ધમાં કોઈ પુરાવા મળ્યા હતા તો તેની ધરપકડની વાત કરેલી? તે અંગે પ્રશ્નાર્થ છે. જયારે આજે અઠવાડિયા બાદ વાડી પીઆઈ રાઠવાએ હવે એવો વાહિયાત બચાવ કર્યો હતો કે આરોપીના સગાને અમે જાણ કરી છે પરંતું કોઈ અહીંયા આવતું જ નથી. શું આરોપીની ધરપકડ માટે પરવાનગી લેવા માટે તેના સગાને પોલીસ અત્રે બોલાવે છે ?તે પણ એક પ્રશ્ન છે.