અમદાવાદ,તા.૧  

વર્ષ ૨૦૨૦નો ઑગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. કહેવાય છે કે ઇતિહાસમાં ઑગસ્ટ ક્રાંતિના મહિના તરીકે ઓળખાય છે. દેશની આઝાદીથી લઈને અનેક ક્રાંતિઓ ઑગસ્ટમાં થઈ છે. દરમિયાન અનલાૅક ૩.૦માં પ્રવેશેલા ગુજરાતમાં આવી જ એક ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે. રાજ્યમાં અનેક ભરતીઓમાં વહિવટી ગૂંચ અથવા તો વિલંબના કારણે બેરોજગાર બનેલા શિક્ષિતોએ છેલ્લા કેટલાય સમયથી ટ્‌વીટર પર આંદોલનો કર્યા છે. આ અભિયાન અંતર્ગત આજે શિક્ષિત બેરોજગારોનું એક ગીત લાૅન્ચ થયું છે.

યૂટ્યૂબ પર રિલિઝ કરવામાં આવેલા આ ગીતનો ઉદ્દેશ્ય નફો રળવાનો નથી પરંતુ લમણે લખાયેલી બેરોજગારીનો થપ્પો ભૂસવા માટે સરકારના કાન ખોલવાનો છે. સરકાર આંદોલન ન થાય ત્યાં સુધી અવાજ સાંભળતી નથી તેવી એક ધારણા રાજ્યના યુવાનોમાં વ્યાપી છે.

આ ગીત સાથે જોડાયેલા અને ટેટની ભરતીની રાહ જોઈ રહેલા એક યુવાન હરદેવ વાળા પણ કંઈક આવું જ વિચારે છે. એક વાતચીતમાં હરદેવ જણાવે છે કે ર્સિંરકારે વર્ષ ૨૦૧૯ના ઑક્ટોબર મહિનામાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં ૧૨,૦૦૦ શિક્ષકોની ભરતી થશે. સરકારે એ દિશામાં પગલું ભર્યુ પરંતુ મારા જેવા અનેક પ્રાથમિક શિક્ષક બનવા માંગતા અને લાયક ઉમેદવારોને ધક્કો લાગ્યો. સરકારે ટેટની ભરતી પ્રક્રિયા ન કરી. એટલે કે પ્રાયમરી શિક્ષકોની ભરતીના ફોર્મ પણ બહાર ન પડ્યા.’વાળાના જણાવ્યા મુજબ આ ભરતી પ્રક્રિયાની તજવીજ વર્ષ ૨૦૧૭ પછી થઈ નથી. સરકારની આ નિષ્કાળજીના કારણે અનેક ઉમેદવારો ગેરલાયક ઠરવાની ભીતિ છે. અથવા તો તેમના ટેટના પ્રમાણપત્રોની અવધી સમાપ્ત થવાની અણીએ છે.

આવી જ રીતે રાજ્યમાં લાંબા સમયથી એલ.આર.ડી. એટલે કે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં જીઆરની ગૂંચના કારણે આંદોલનો થતા રહ્યા છે. પહેલાં ખોટાપ્રમાણ પત્રોની બબાલ આવી તો બાદમાં મેરિટની માથાકૂટ. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આ યુવાનો ફક્ત ભરતી બહાર પાડવાની અને તેમને રોજગારી માટે લડી લેવાની તક મળે એટલી જ માંગ કરી રહ્યા છે.દરમિયા પોતાની લડતનો અવાજ મજબૂત કરવા માટે આજે પ્રથમ ઑગસ્ટે શિક્ષિત બેરોજગારો દ્વારા ‘શિક્ષિત બેરોજગારોનું ગીત’ રજૂ કરવામાં આવ્યું છે. જોકે, આવા ગીતોથી તેમનાં પ્રશ્નો હલ થઈ ગયા હોત તો કેટલાય ગીતો બજારમાં રમતાં હોત પરંતુ આ એક પ્રતિક છે, જેના દ્વારા તેઓ પોતાનો અવાજ લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડવા માંગે છે. દરમિયાન રાજ્યમાં શિક્ષિત બેરોજગારોએ એક સંઘર્ષ સમિતિ તૈયાર કરી છે. જોકે, તેમાં પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણિયા નેતૃત્વની હરોળમાં છે. તેમની સાથે વિદ્યાર્થી આંદોલનના ઉભરતા નેતા યુવરાજસિંહ જાડેજા છે. તેઓ જિલ્લાઓમાં ઘુમી રહ્યા છે, અને શિક્ષિત બેરજોજગારોને એકજૂથ કરી રહ્યા છે. ગતરોજ આ સમિતિએ ભાવનગર જિલ્લાની મુલાકાત કરી હતી.