વડોદરા : વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે વડોદરા શહેર અને એના વુડામાં આવતા આઉટગ્રોથ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસના કામોમાં બાધારૂપ મહત્વના પ્રાણ પ્રશ્નો બાબતે ક્રેડાઈઃ દ્વારા વખતોવખત રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ એક બીજા વિભાગોને કોઈને કોઈ બહાના હેઠળ ખો આપીને પ્રશ્નોનો નિકાલ લાવવામાં એક યા બીજા કારણસર અક્ષમ્ય વિલંબ કરવામાં આવતો હતો. આખરે રાજ્યના રાજ્ય કક્ષાના શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા મંત્રી યોગેશ પટેલ સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવતા તેઓએ સંલગ્ન જવાબદાર તમામ વિભાગો અને પાલિકાના કમિશ્નર તથા હોદ્દાની રૂએ વુડાના અધ્યક્ષ એવા પી.સ્વરૂપ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, સાંસદ,શહેર જિલ્લાના ધારાસભ્યો અને પાલિકા તથા વુડાના અધિકારીઓને હાજર રાખીને મીટીંગ બોલાવી હતી. જેમાં ક્રેડાઈઃ વડોદરા તેમજ અન્ય એસોસીએશનના હોદ્દેદારોની પોલીસ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લા અને મોકલા મને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં વડોદરાની ટીપી સ્કીમો અને ડેવલોપમેન્ટ પ્લેને લગતા મુદ્દા, વડોદરા પાલિકા અને વુડાને લગતા પરવાનગી અને લાગતોને લગતા મુદ્દા, કલેક્ટર કચેરી ખાતે વિવિધ મંજૂરીઓની પડતર બાબતો તેમજ અશાંત ધારામાં કાયદામાં સુધારો કરવા જેવા મુદ્દાઓની વિશાળ ચર્ચા વિચારણાઓ થઇ હતી. આ પૈકી જે મુદ્દાઓનું ત્વરિત નિરાકરણ આવે એમ હતું એનો ત્વરિત નિકાલ કરાયો હતો. એના આદેશો પણ કરી દેવાયા હતા. તેમજ જે મુદ્દાઓ સરકાર હસ્તકના હતા. એ બાબતે રજૂઆત કરીને ઉકેલ લાવવાની મંત્રી યોગેશ પટેલ અને ઉપસ્થિત સાંસદ અને ધારાસભ્યોએ ખાતરી ઉચ્ચારી હતી. આ મિટિંગમાં ઉપસ્થિત ધારાસભ્યોમાં જીતુ સુખડીયા,મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, શૈલેષ મહેતા, અક્ષય પટેલ અધિકારીઓમાં સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, આરએસી ડી.આર.પટેલ, વુડાના સીઈએ એ.બી.પટેલ, પ્રાંત અધિકારી પટની, પાલિકાના ટીડીઓ જીતેશ ત્રિવેદી, ટીપીઓ બી.એમ.પટેલ સહિતના હાજર રહ્યા હતા. 

ટીપીઓ બી.એમ.પટેલ ફાઈલ વિના આવતા યોગેશ પટેલે ખખડાવ્યા

વડોદરાઃ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને નર્મદા મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઇના પ્રશ્નો બાબતે વુડા, પાલિકા અને કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ તથા ધારાસભ્યો સાથે યોજાયેલ સંયુક્ત મિટિંગમાં મુસદ્દો ધ્યાનમાં હોવા છતાં ટીપીઓ બી.એમ.પટેલ ટી.પી.ની ફાઈલો લીધા વિના મિટિંગમાં હાજર રહ્યા હતા. જે સમયે ટીપીના પડતર પ્રશ્નો બાબતનો મુદ્દો આવ્યો હતો. ત્યારે ટીપીના પડતર પ્રશ્નો બાબતે પૂછતાં અધિકારી ટીપીઓ બીપીપટેલે પોતે ફાઈલો લઈને આવ્યા નથી. એવો ઉડાઉ જવાબ આપતા મંત્રી યોગેશ પટેલ રોષે ભરાયા હતા. તેમજ તેઓને કામ ન થાય કે ન સાંભળી શકાય એમ હોય તો લખીને આપવા જણાવ્યું હતું. જેથી બીજા અધિકારીને જવાબદારી સોંપી શકાય. એમ કહી અધિકારીને તતડાવતાં ભોંઠા પડી ગયા હતા.

ક્રેડાઈના ઈતિહાસમાં પ્રથમ વખત સંયુક્ત મીટીંગ યોજાઈ

વડોદરા ક્રેડાઇના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ચેરમેન હેમંત પટેલ, પ્રમુખ પ્રિતેશ શાહ અને ઉપપ્રમુખ મંયક પટેલના સમયગાળામાં શહેરના વિકાસને લગતા પ્રાણ પ્રશ્નો અને એના ઉકેલ લાવવા બાબતે પહેલ કરવામાં આવી હતી. જેમાં મંત્રી યોગેશ પટેલ ઉપરાંત વડોદરાના સાંસદ અને શહેર જિલ્લાના ધારાસભ્યો ઉપરાંત પાલિકાના કમિશ્નર અને હોદ્દાની રૂએ વુડાના અધ્યક્ષ, જિલ્લા કલેક્ટર અને વુડા તથા વડોદરા મહાનગર પાલિકા તથા કલેક્ટરાલયના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહેતા જયારે રાજ્ય સરકારને લગતા પ્રશ્નોનો જલ્દીથી નિવેડો આવવાની આશા જન્મી હતી. આટલી મોટી સફળતા માત્ર ગણતરીની મિનિટોમાં મળ્યાનું પણ ક્રેડાઇના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બનવા પામ્યું છે.