આણંદ, તા.૧૦  

આણંદ તાલુકાના અડાસ ગામની સીમમાં રાષ્ટ્રધોરી માર્ગ પર આવેલાં આઈમાતા હોટલ પાસે ગઈકાલે રાત્રીના સુમારે વાસદ પોલીસે ઘઉંના કટ્‌ટાની આડમાં લવાયેલો ૬.૬૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની ડ્રાયવરોને ઝડપી પાડીને કુલ ૧૬.૬૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવી હાથ ધરી છે. નેશનલ હાઈવે નંબર ૮ પર આવેલ આણંદ તાલુકાના અડાસ ગામની સીમમાં આવેલી આઈમાતા હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રક નંબર આરજે-૧૦, જીએ-૪૪૬૩ની પડી છે અને તેમાં વિદેશી દારૂ ભર્યો છે. એવી ગુપ્ત બાતમી વાસદ પોલીસ મથકના પીએસઆઈ પી. જે. પરમારને મળી હતી. મળેલી આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ઉક્ત બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો. અને આઈમાતા હોટલ પાસે કંપાઉન્ડમાં પાર્ક કરાયેલ ટ્રકની તલાશી લેતા અંદર ઘંઉના કટ્‌ટા ભર્યા હતા. જેથી કેટલાક ઘંઉના કટ્‌ટા હટાવીને તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ટ્રકને પોલીસ મથકે લાવીને ઘંઉના કટ્‌ટા હટાવી તપાસ કરતા અંદરથી એપીસોડ ક્લાસીક વીસ્કીની ૭૯ પેટી, મેકડોવેલ્ડ વિસ્કીની ૨૦ બોટલ તેમજ રોયલ ચેલેન્જની ૨૭ પેટીઓ મળીને કુલ ૬.૬૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પન્નાલાલ લાલચંદ ભાટ (રે. દાઉદસર, રાજસ્થાન) અને આશારામ લાલુરામ ભાટ (રે. લચ્છાસર, રાજસ્થાન) ની ધરપકડ કરીને તેઓની અંગજડતીમાંથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. પોલીસે બન્નેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વિકાસ રામનિવાસ (રે. પહાડી, હરિયાણા)એ ભરાવ્યો હતો અને ચુરૂ પાસે ગાડી આપી આણંદની નજીક આવેલી હોટલ પર જઈને રોકાવા જણાવ્યું હતુ. ત્યારબાદ ફોન પર જે પ્રમાણે સુચના મળે તે પ્રમાણે ડીલીવરી આપવાની હતી. જાે કે તે પહેલાં જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે કુલ ૧૬,૬૧,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે બન્નેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.