વડોદરા, તા.૨૦

ચોમાસાની ઋતુમાં સર્પદંશના બનાવો વધુ નોંધાઈ રહ્યા છે. એટલંુ જ નહીં, એક અઠવાડિયામાં ૧પથી વધુ બનાવો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે નોંધાયા છે, આ પૈકી ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ બાબતે જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ચોમાસાની ઋતુ ચાલુ છે તેવા સમયે શહેર-જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે, ખેતરોમાં કે અન્ય સ્થળોએ અત્યાર સુધી ૧૦૦ જેટલા સર્પદંશના બનાવો બની ચૂકયા છે, જેમાં ૯૦ ટકા બનાવોમાં સર્પદંશના અસરગ્રસ્તો આપઘાતમાં મૃત્યુ પામ્યા હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તારણ આવ્યું હોવાનું જીએસપીસી સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગના સાપો ઝેરીલા હોતા નથી, જેથી આઘાતથી અસરગ્રસ્તોના મોતની શક્યતાને નકારી શકાય તેમ નથી. જેમાં આજે વધુ એક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પલાસી ગામે રહેતા ર૮ વર્ષીય વ્યક્તિને સાપે ડંશ મારતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ચોમાસાની ઋતુમાં ખેડૂતો પોતાના ખેતરોમાં પાક માટે ખેતરોની સાફસફાઈ તથા ખેતરો ખેડીને વાવણી સહિતની કામગીરીની તૈયારીઓ કરતા હોય છે. તેવા સમયે ખેતરોમાં દર કરીને જમીનમાં રહેતા સાપ, અજગર, વીંછી સહિત ઝેરી જીવજંતુઓ તેમના માર્ગમાં આવતા લોકોને ડંશ મારતાં હોય છે. ખાસ કરીને સર્પદંશનો ભોગ બનેલા છેલ્લા એક અઠવાડિયામાં ૧૫થી વધુ કેસ સર્પદંશ તથા ઝેરી જીવજંતુઓ કરડવાના નોંધાયા છે. આવા લોકો સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં આવતા હોય છે.

આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પલાસી ગામે રહેતો સરોજ સુરેશભાઈ વસાવા (ઉં.વ.ર૮) પોતાના કપાસના ખેતરમાં નકામું-વેસ્ટેજ ઘાસ નીંદવાની મજૂરી કામ કરતો હતો, તે દરમિયાન ખેતરમાં નીકળેલા એક સાપે ડંશ મારતાં તેને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. આમ, ચોમાસાની ઋતુમાં ઝેરી જીવજંતુઓ કરડવાના બનાવો રોજબરોજ નોંધાઈ રહ્યા છે.

સર્પદંશના બનાવમાં લોહીની નળિકાઓ તૂટી જાય છે

કોઈપણ વ્યક્તિને જ્યારે પણ સાપ કરડે કે ડંશ મારે ત્યારે વ્યક્તિને બે પ્રકારની અસર થાય છે. જેમાં એક સર્પદંશના અસરગ્રસ્ત વ્યક્તિની લોહીની નળીઓ તૂટી જાય છે જેથી સાપનું ઝેર લોહીમાં પ્રસરી જાય છે. અલબત્ત, બ્લીડિંગ વધુ થાય છે. બીજી અસર એ છે કે, વ્યક્તિના ચેતાતંતુઓ પર ઘેરી અસર કરે છે. શરીરમાં ચેતાતંતુઓ કામ કરતી બંધ થઈ જાય છે એટલે ભાન ગુમાવી બેહોશ થઈ જાય છે અને મોતને ભેટે છે. સર્પદંશવાળી વ્યક્તિને જાે સમયસર સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવે તો દર્દીને એન્ટિસ્નેક વિનમ નામનું ઈન્જેકશન આપવામાં આવે છે પછી તેની સારવાર આપવામાં આવે છે. - ડો. પ્રિતેશ શાહ, તબીબ, આઈડી હોસ્પિટલ, કારેલીબાગ