આણંદ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામમાં શુક્રવારે સાંજે લગભગ સાડાત્રણ ફૂટનો મગર અચાનક ઘરમાં ઘૂસી જતાં ત્યાં રહેતાં પરિવારના સભ્યો ગભરાઈ ગયાં હતાં. જાેકેે, દયા ફાઉન્ડેશનના વોલિન્ટિયર્સે મગરને રેસ્ક્યૂ કર્યો હતો. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, શુક્રવારે મોડીસાંજે પીપળાવ ગામમાં એક રહેણાંક મકાનમાં પરિવારના સભ્યો જમવાની તૈયારી કરી રહ્યાં હતાં બરાબર એ સમયે જ અચાનક રસ્તો ભૂલીને ઘરમાં સાડાત્રણ ફૂટનો મગર ઘૂસી જતાં અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી ક્ષણો માટે મકાનમાં રહેતાં પરિવારના સભ્યોના શ્વાસ અદ્ધર થઈ ગયાં હતાં. આ વાતની જાણ પડોશીઓને થતાં લોકો ભેગાં થઈ ગયાં હતાં. મગરને જાેતાં ગભરાટમાં જ પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી ગયાં હતાં. તેઓએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યાં હતાં. આ અંગે કરમસદના દયા ફાઉન્ડેશનને જાણ કરાતાં વોલિન્ટિયર્સની ટીમ તથા સ્થાનિક વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. તેઓએ મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વનવિભાગની હાજરીમાં જ તળાવમાં છોડી દીધો હતો.

વનવિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ, આ મકાન પીપળાવ ગામના તળાવ નજીક આવેલું હોવાથી રસ્તો ભૂલેલો મગર શુક્રવારે સાંજે અચાનક અહીં આવી ચડ્યો હતો. ખરેખર આ મગરનું બચ્ચું હતું. લંબાઈ લગભગ સાડાત્રણ ફૂટ જેટલી હતી. આ મગરની ઉંમર અંદાજે અઢીથી ત્રણ વર્ષની હતી.